ધોરણ 8 ગુજરાતી કાવ્ય 10 'દુનિયા અમારી' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન
ધોરણ ૮ : ગુજરાતી
કાવ્ય ૧૦: દુનિયા અમારી
પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru
🎯 કાવ્ય આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (LOs)
G8-2.1.1 પદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે.
G8-1.5.5 પઠન તથા ગાન માટે શ્વાસનિયમન કરે છે.
G8-2.1.5 સાહિત્યસ્વરૂપો વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G8-1.3.2 સામાજિક અનુભવ જણાવે છે અને તેને લગતી લાગણી વ્યક્ત કરે છે.
G8-3.1.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે અને તારવે છે.
✍️ કવિ પરિચય અને કાવ્યનો કેન્દ્રીય ભાવ
કવિનું નામ: ભાનુપ્રસાદ પંડ્યા
જન્મસ્થળ/વતન: તરવડા (જિલ્લો અમરેલી)
જાણીતા કાવ્યસંગ્રહો: 'અડોઅડ”, ‘ઓતપ્રોત’, 'શબ્દે કર્યાં શિલ્પ' અને 'શિલ્પ સર્જન”
સન્માન: નરસિંહ મહેતા એવૉર્ડ
કેન્દ્રીય વિચાર: આ ગીતમાં એક દ્રષ્ટિહીન (પ્રજ્ઞાચક્ષુ) વ્યક્તિની સંવેદના રજૂ થઈ છે. તે ઈશ્વરને સંબોધીને કહે છે કે ભલે તેં મારી જોવાની શક્તિ લઈ લીધી, પણ હું મારા કાનથી, અવાજથી અને સ્પર્શથી આ દુનિયાને ખૂબ સારી રીતે અનુભવી શકું છું. આ ગીતમાં જીવન પ્રત્યેનો એક ખૂબ જ સુંદર અને હકારાત્મક અભિગમ જોવા મળે છે.
📖 કાવ્ય પઠન, સમજૂતી અને માઇક્રો-ટીચિંગ
(સ્માર્ટ બોર્ડ પર પંક્તિઓ અને પ્રશ્નો ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો)
પંક્તિઓ ૧: "દેખ્યાનો દેશ ભલે લઈ લીધો..."
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડયાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !
શિક્ષક દ્વારા સમજૂતી:
દ્રષ્ટિહીન વ્યક્તિ ઈશ્વર (નાથ) ને સંબોધીને કહે છે કે હે પ્રભુ! તેં ભલે મારી આંખોની રોશની (દેખ્યાનો દેશ) લઈ લીધી, પણ પક્ષીઓના મધુર અવાજ (કલરવ) ની દુનિયા તો મારી પોતાની જ છે! રસ્તા (વાટ) પર ફરીને દુનિયા જોવાની મારી મજા ભલે તેં છીનવી લીધી હોય, પણ લોકોના ચાલવાના અવાજ (પગરવ) પરથી હું બધું સમજી શકું છું. પગરવની આખી દુનિયા મારી છે.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. દ્રષ્ટિહીન વ્યક્તિ કોને સંબોધીને વાત કરે છે?દ્રષ્ટિહીન વ્યક્તિ ઈશ્વર (નાથ) ને સંબોધીને વાત કરે છે.
-
૨. 'દેખ્યાનો દેશ લઈ લીધો' એટલે શું?'દેખ્યાનો દેશ લઈ લીધો' એટલે ઈશ્વરે તેની આંખોની રોશની (જોવાની શક્તિ) લઈ લીધી છે.
-
૩. જોવાની શક્તિ ન હોવા છતાં કઈ દુનિયા તેમની પોતાની છે?જોવાની શક્તિ ન હોવા છતાં 'કલરવ' (પક્ષીઓના મધુર અવાજ) ની દુનિયા તેમની પોતાની છે.
-
૪. વાટે રખડવાની મોજ છીનવાઈ ગઈ તોપણ તેમને શાની દુનિયા મળી છે?રખડવાની મોજ છીનવાઈ જવા છતાં તેમને લોકોના ચાલવાના અવાજ એટલે કે 'પગરવ' ની દુનિયા મળી છે.
-
૫. આ પંક્તિઓમાં દ્રષ્ટિહીન વ્યક્તિનો કયો અભિગમ દેખાય છે?આ પંક્તિઓમાં તેમનો નિરાશ ન થવાનો અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ દેખાય છે.
પંક્તિઓ ૨: "કલબલ તો થાય જ્યાં પહેલો તે પ્હોર..."
કલબલ તો થાય જ્યાં પહેલો તે પ્હોર
બંધ પોપચાંમાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઈ રસળે શી રાત !
લહેકાએ લહેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી !
શિક્ષક દ્વારા સમજૂતી:
સવારનો પહેલો પ્રહર (પ્હોર) થાય અને પક્ષીઓનો કલબલાટ શરૂ થાય, ત્યારે ભલે મારી આંખોના પોપચાં બંધ હોય, છતાં મને એ અવાજથી રંગોની ભાત (ડિઝાઇન) દેખાય છે. રાતનું રૂપ મારી આંખો (લોચન) ની મર્યાદાથી બહાર છટકીને રણઝણતો અવાજ બનીને મારી આસપાસ ફરે (રસળે) છે. અલગ અલગ લોકોના બોલવાના લહેકા (છટા) અને તેમાંથી ખીલતા અવાજના વૈભવની આખી દુનિયા મારી છે. હું આંખોથી નહીં, પણ અવાજથી દુનિયાનો વૈભવ માણી લઉં છું.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. સવારના પહેલા પ્હોરમાં શું થાય છે?સવારના પહેલા પ્હોરમાં પક્ષીઓનો કલબલાટ શરૂ થાય છે.
-
૨. બંધ પોપચાંમાં દ્રષ્ટિહીનને શું દેખાય છે?બંધ પોપચાંમાં તેમને અવાજના આધારે જુદા જુદા રંગોની ભાત (ડિઝાઇન) દેખાય છે.
-
૩. કવિએ આંખ માટે કયો શબ્દ વાપર્યો છે?કવિએ આંખ માટે 'લોચન' શબ્દ વાપર્યો છે.
-
૪. અવાજનો વૈભવ કેવી રીતે મ્હોરે (ખીલે) છે?અવાજનો વૈભવ લોકોના જુદા જુદા બોલવાના લહેકા (છટાઓ) દ્વારા મ્હોરે છે.
-
૫. રાત કેવી રીતે રસળે (ફરે) છે?રાત આંખોની સરહદથી છટકીને રણઝણતો અવાજ લઈને રસળે છે.
પંક્તિઓ ૩: "ફૂલોના રંગો રિસાઈ ગયા..."
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
ના તો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લહેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંમાં તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !
શિક્ષક દ્વારા સમજૂતી:
દ્રષ્ટિહીન વ્યક્તિ કહે છે કે, ભલે ફૂલોના સુંદર રંગો મારાથી રિસાઈ ગયા (કારણ કે હું તે જોઈ શકતો નથી), પરંતુ આ ફૂલોની સામટી (બધી જ) સુગંધ મારો સાથ જાળવી રાખે છે! પવનની લહેરખી ઋતુઓ (સમા સમા) ના સંદેશા લઈને આવે છે અને મને સ્પર્શ કરીને (અડકીને) મારી સાથે સંબંધ જાળવી રાખે છે. આંખો નથી, પણ મારી આંગળીના ટેરવાંમાં નવી નજર ફૂટી છે (સ્પર્શશક્તિ), અને સ્પર્શ દ્વારા મળતા નવા અનુભવોની આખી દુનિયા મારી છે.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. દ્રષ્ટિહીન વ્યક્તિથી શું રિસાઈ ગયું છે?તેમની પાસે જોવાની શક્તિ ન હોવાથી 'ફૂલોના રંગો' તેમનાથી રિસાઈ ગયા છે.
-
૨. રંગો રિસાઈ જવા છતાં શું તેમનો સાથ જાળવી રાખે છે?ફૂલોની સામટી (બધી જ) સુગંધ તેમનો સાથ જાળવી રાખે છે.
-
૩. પવનની લહેરખી શું લઈને આવે છે?પવનની લહેરખી અલગ અલગ ઋતુઓ અને સમય (સમા સમા) ના સંદેશા લઈને આવે છે.
-
૪. લહેરખી કેવી રીતે સંબંધ સાચવે છે?લહેરખી દ્રષ્ટિહીન વ્યક્તિને સ્પર્શ કરીને (અડકીને) સંબંધ સાચવે છે.
-
૫. આંખોના બદલે હવે 'નજર' ક્યાં ફૂટી છે?આંખોના બદલે હવે આંગળીઓના ટેરવાંમાં નવી નજર (સ્પર્શ કરીને અનુભવવાની શક્તિ) ફૂટી છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો