ધોરણ 8 ગુજરાતી પાઠ 8 'ઘર' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન

પાઠ આયોજન: ઘર (સંવેદનકથા)

ધોરણ ૮ : ગુજરાતી

પાઠ ૮: ઘર (સંવેદનકથા)

પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru

🎯 પાઠ આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (LOs)
G8-2.1.1 ગદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે. G8-1.5.6 ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ્ કરે છે. G8-1.3.2 સામાજિક અનુભવ જણાવે છે અને તેને લગતી લાગણી વ્યક્ત કરે છે. G8-2.1.5 સાહિત્યસ્વરૂપો વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે. G8-2.1.9 સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરી પોતાનાં તારણો રજૂ કરે છે.
✍️ લેખક પરિચય અને સાહિત્ય સ્વરૂપ

લેખકનું નામ: ભોળાભાઈ શંકરદાસ પટેલ
જન્મસ્થળ: સોજા (જિલ્લો ગાંધીનગર)
સાહિત્ય સ્વરૂપ: સંવેદનકથા
જાણીતાં પુસ્તકો: 'રાધે તારા ડુંગરિયા પર’, ‘દેવોની ઘાટી,’ ‘બોલે ઝીણા મોર,’ ‘કાંચનજંઘા’
કેન્દ્રીય વિચાર: શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય લે છે. પરંતુ ઘર સાથે જોડાયેલી અસંખ્ય સ્મૃતિઓ અને માતાનો ઘર પ્રત્યેનો લગાવ જોઈને તેઓ ઘર ન વેચવાનો નિર્ણય લે છે. આ કથામાં 'ઘર' એ માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી, પણ એક 'ભાવના' છે તે ખૂબ જ હૃદયસ્પર્શી રીતે સમજાવવામાં આવ્યું છે.

📖 પાઠ પઠન, સમજૂતી અને માઇક્રો-ટીચિંગ

(દરેક ફકરો સ્માર્ટ બોર્ડ પર ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો)

વિભાગ ૧: ગામડાનું જૂનું ઘર અને તેને વેચવાનો વિચાર
ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી, લગભગ બંધ રહેતું અમારું એ ગામડાગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટા ભાગનાએ તો પોતાનાં ઘર કાઢી પણ નાખ્યાં હતાં. એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું. વળી, બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું. ચોમાસું ભારે હોય તો પતરાંના છાપરામાંથી પણ પાણી અંદર ઊતરે. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું. ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહારકુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા. પછી એક દિવસ 'ઑફર’ આવી પણ ખરી. ઑફર વાજબી હતી. ઑફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો.
શિક્ષક દ્વારા સમજૂતી: લેખક અને તેમનો પરિવાર શહેરમાં સ્થાયી થયો હોવાથી ગામડાનું ઘર બંધ રહેતું હતું. જૂના પડોશીઓ પણ શહેરમાં જતા રહ્યા હતા, તેથી ગામમાં રજાઓમાં જઈએ ત્યારે 'અડવું' (સૂનું કે એકલવાયું) લાગતું. બંધ રહેવાથી ઘર જીર્ણ (જૂનું અને ખખડધજ) થવા લાગ્યું હતું. ચોમાસામાં છાપરામાંથી પાણી ટપકતું અને કચરાના થર જામતા. આ બધું જોઈને ઘરડી બાની સંમતિથી ઘર વેચવાનો વિચાર પાકો કર્યો. ગામના એક મિત્રને ઘર વેચવાની ભલામણ કરી અને એક ભરોસાપાત્ર માણસ તરફથી સારી ઑફર પણ આવી ગઈ.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. લેખકને જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર કેમ આવ્યો?
    કારણ કે તેઓ શહેરમાં સ્થિર થયા હતા, ઘર બંધ રહેતું હતું અને જૂના પડોશીઓ પણ શહેરમાં જતા રહ્યા હતા.
  • ૨. સામાજિક પ્રસંગે ગામડે જતાં લેખકને કેવું લાગતું?
    નવા પડોશીઓ સાથે નાતો ન હોવાથી તેમને ઘણું અડવું (સૂનું) લાગતું અને લોકો તેમને આગંતુક (મહેમાન) ગણતા.
  • ૩. ચોમાસામાં જૂના ઘરની શી દશા થતી?
    ચોમાસામાં પતરાંના છાપરામાંથી પાણી અંદર ઊતરતું અને એક કરામાં તિરાડ પડી ગઈ હતી.
  • ૪. લેખકે ઘર વેચવાનો વિચાર કોની સંમતિથી પાકો કર્યો?
    લેખકે પોતાની 'ઘરડી બા' ની સંમતિ લઈને ઘર વેચવાનો વિચાર પાકો કર્યો.
  • ૫. ઑફર આવવા છતાં વિલંબનો પ્રશ્ન કેમ નહોતો?
    કારણ કે ઑફર વાજબી હતી અને ઑફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર હતો.
વિભાગ ૨: બાપદાદાની મહેનત અને ઘર સાથેની સ્મૃતિઓ
પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી, રહીરહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું. ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું, કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબાતળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. છેક મોભારા સુધી ગારનાં તગારાં મારી બાએ ઉપર ચઢાવેલાં. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવાં ઘર બંધાવવા માંડયાં ત્યારે પોતાના દીકરાઓનાં એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતાં જોઈ, મનમાં થોડું રાજી થતાં બા-બાપા ઘણીવાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં. એ ઘરમાં જ અમ સૌ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહિ, એ જ ઓરડામાં અમારા દામ્પત્યજીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી. ઘરના આંગણામાં કેટલું રમેલાં ! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયેલાં. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારનાં અબોલ સભ્યો બંધાતાં – ભેંસ, બળદ, રેલ્લાં.
શિક્ષક દ્વારા સમજૂતી: ઘર વેચવાની ઑફર આવતા જ લેખકના મનમાં દુઃખ (વ્યથા) શરૂ થયું. આ ઘર તેમના પિતાએ જાતમહેનતથી બનાવ્યું હતું; બળદગાડામાં ઈંટો લાવેલા, આંબાતળાવની માટી લાવેલા અને ખેતરના લીમડાનું લાકડું વાપરેલું. બાએ પણ મોભારા સુધી ગારનાં તગારાં ચડાવેલાં. આ ઘરમાં જ લેખક અને તેમના ભાઈ-બહેનોનો જન્મ થયો, લગ્નો થયાં અને તેમનાં સંતાનો પણ ત્યાં જ જન્મ્યાં. આ આંગણામાં રમીને તેઓ મોટા થયા, ભણવા ગયા અને શિયાળામાં તાપણા પાસે બેસીને વાતો કરી હતી. ઘર સાથે તેમની અસંખ્ય યાદો જોડાયેલી હતી.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. ઑફર આવ્યા પછી લેખકના મનમાં કેવો વિચાર આવવા લાગ્યો?
    મનમાં વ્યથા જાગી અને વિચાર આવ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું જોઈએ.
  • ૨. ગાર કરવા માટે લેખકના પિતા ક્યાંથી માટી લાવેલા?
    ગાર કરવા ગામના આંબાતળાવની ચીકણી માટી જાતે ગોડીને લાવેલા.
  • ૩. ઘરના મોભારા સુધી ગારનાં તગારાં કોણે ચઢાવેલાં?
    ઘરના મોભારા સુધી ગારનાં તગારાં લેખકની 'બા' એ જાતે ચઢાવેલાં.
  • ૪. શિયાળામાં તાપણાની આસપાસ શું થતું હતું?
    શિયાળામાં તાપણાની આસપાસ પડોશીઓ સાથે મધુર વિશ્રંભકથાઓ (વાતચીતો) થતી હતી.
  • ૫. આંગણામાં કયા અબોલ સભ્યો બંધાતા હતા?
    આંગણામાં ભેંસ, બળદ અને રેલ્લાં (વાછરડાં) જેવા અબોલ સભ્યો બંધાતા હતા.
વિભાગ ૩: 'ઘર' એક ભાવના છે
એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડાં વર્ષો પર મારા બાપાનો. અમારા એ ઘરની બન્ને બાજુએ બીજાં ઘર છે. એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું. તે પણ બંધ છે. મારો મિત્ર રોટલો રળવા દેશનાં અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતાં. તેમને ઊઠી ગયે તો વર્ષો થયાં. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતાં તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઊઠી ગયો. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે. આમ બધું બદલાઈ ગયું છે. છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું. જૂનું તોયે બાપદાદાનું ઘર... એ ઘર છે, માત્ર ચાર દીવાલો ને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ‘ઘર’? ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તોયે ઘરની ભાવના પણ ભલી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડયું કે ભલે ઘર જૂનું થાય, જીરણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણીવેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખી રાખવાનો શો અર્થ છે? સારા પૈસા ઊપજે છે. એટલા પૈસા ફિક્સ્ડ ડિપૉઝિટમાં મૂકોને, તોય....… છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે, તો એ ઘરમાં બધાં સાથે રહી લઈએ.
શિક્ષક દ્વારા સમજૂતી: એ જ ઓસરીમાં લેખકના દાદા-દાદી અને પિતાના મૃત્યુ પછી ચોકો (અંતિમ સંસ્કારની વિધિ માટેની જગ્યા) કરવામાં આવ્યો હતો. આસપાસના પડોશીઓ પણ બદલાઈ ગયા હતા. આ બધું બદલાઈ ગયું હોવા છતાં લેખક વિચારે છે કે મકાન પૈસાથી ખરીદી કે વેચી શકાય, પરંતુ 'ઘર' તો એક ભાવના છે, લાગણી છે. મન તર્ક પણ કરતું કે આ લાગણીવેડા છે, પૈસા બેંકમાં મૂકવા સારા. અંતે વેચવાનું નક્કી તો રહ્યું, પણ વેચતા પહેલાં બધા ભાઈઓએ પરિવાર સાથે છેલ્લી વાર એ ઘરમાં સાથે રહેવાનો નિર્ણય કર્યો.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. કાશીફોઈની ઓસરીમાં હવે કોણ સૂતું જોવા મળે છે?
    કાશીફોઈ જ્યાં સામાયિક કરતાં, તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે છે.
  • ૨. લેખકના મતે મકાન અને ઘર વચ્ચે શો તફાવત છે?
    મકાન પૈસાથી ખરીદી, બાંધી કે વેચી શકાય છે, જ્યારે 'ઘર' એ એક ભાવના છે, તેને પૈસાથી ખરીદી શકાતું નથી.
  • ૩. ઘર રાખવા બાબતે મન શું તર્ક કરતું હતું?
    મન તર્ક કરતું કે આ લાગણીવેડા છે, જો ગામમાં જવાનું જ ન હોય તો વેચીને પૈસા ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકવા સારા.
  • ૪. 'ચોકો થવો' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
    મૃત્યુ પછી શબને જમીન પર સુવડાવવા માટે જગ્યાને લીંપીને પવિત્ર કરવી તેને 'ચોકો કરવો' કહે છે.
  • ૫. ઘર વેચતા પહેલાં બધા ભાઈઓએ છેલ્લે શો વિચાર કર્યો?
    બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં એકસાથે રહેવાનો વિચાર કર્યો.
વિભાગ ૪: છેલ્લી વાર ઘરનું ખૂલવું અને યાદોનો ઉભરો
વળી, પાછું ઘણા વખતનું બંધ ઘર ખૂલ્યું. જોતજોતામાં તો નાનાંમોટાં પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું-ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડાગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બે લગભગ ઉદાસીન રહેતી. ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. પરંતુ હવે ઘરની પ્રત્યેક દીવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં જ્યાં હું હંમેશાં બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. ત્યાં ભીંતે ટેકો દેતાં જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો, તે કહી રહી, ‘આટલે દહાડે આવ્યા અને હવે બસ...” હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી, ખીલા હતા પણ ઢોરઢાંખર નહોતાં. પરંતુ એ બધાં જ જાણે એ તરફ નજર જતાં એકસાથે ભાંભરી ઊઠ્યાં. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો...ઘરનાં આ નેવાં. કેટલાં બધાં ચોમાસાં એનું સંગીત સાંભળ્યું છે ! અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું.
શિક્ષક દ્વારા સમજૂતી: ઘણા સમય પછી ઘર ખુલતા જ તે ફરી પરિવારજનોથી ગુંજી ઊઠ્યું. લેખકની બા, જે પિતાના મૃત્યુ પછી ઉદાસ રહેતી હતી, તે પણ આ જૂના ઘરમાં પ્રસન્ન દેખાવા લાગી. લેખક જ્યારે ઓસરીમાં બેઠા, જ્યાં તેમણે ભણતરની શરૂઆત કરી હતી, ત્યારે તેમને લાગ્યું કે ઘરની દીવાલો તેમને ઠપકો આપી રહી છે કે "આટલા દહાડે આવ્યા અને હવે બસ કાયમ માટે જશો?". ખાલી ગમાણ (ઢોર બાંધવાની જગ્યા) જોતા તેમને ઢોરનો અવાજ સંભળાયો. ઘરમાં થયેલા લગ્નો અને મૃત્યુના પ્રસંગો યાદ આવતા લેખકના ગળે ડૂમો ભરાઈ ગયો (રડવું આવી ગયું).

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. બંધ ઘર ખૂલતા શું ફેરફાર જોવા મળ્યો?
    બંધ ઘર ખૂલતા જ તે નાનાં-મોટાં પરિવારજનોથી ગાજતું-ગુંજતું થઈ ગયું.
  • ૨. બાપાના મૃત્યુ પછી ઉદાસ રહેતી બા કેવો અનુભવ કરતી હતી?
    ગામડાના ઘરમાં પરિવારજનોની વચ્ચે આવીને બા પ્રસન્ન (ખુશ) લાગતી હતી.
  • ૩. ભીંત પર હાથ ફેરવતા લેખકને શું સંભળાયું?
    તેમને લાગ્યું કે દીવાલ કહી રહી છે, "આટલે દહાડે આવ્યા અને હવે બસ..." (વેચી નાખશો?).
  • ૪. લેખકને ઓસરી સાથે કઈ ભણતરની યાદો જોડાયેલી હતી?
    એ જ ઓસરીમાં બેસીને તેમણે પહેલો એકડો ઘૂંટેલો અને ઉચ્ચ અભ્યાસના ગ્રંથો વાંચેલા.
  • ૫. ખાલી ગમાણ તરફ નજર જતા શું થયું?
    ખાલી ગમાણમાં ઢોરઢાંખર નહોતા, છતાં લેખકને લાગ્યું કે બધાં ઢોર એકસાથે ભાંભરી ઊઠ્યાં.
વિભાગ ૫: બાનું રુદન અને ઘર ન વેચવાનો નિર્ણય
ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ-કોઠલાઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. અહીં હું જન્મેલો, મારાં સંતાનો પણ...હવે ? વચલા ખંડમાં, જ્યાં અમે સૌ જમતાં, ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. અત્યારે સૌ આઘાંપાછાં છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે ઝાઝું કાઢે એમ પણ નથી. મેં પાસે જઈ પૂછ્યું, 'આ શું? તું રડે છે બા ?’ અને એનાથી મોટેથી રડાઈ ગયું. ‘આ ઘર...' એટલું માંડ આંસુ અને હીબકાં સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હીબકાં વચ્ચે એણે કહ્યું— 'આ ઘર, હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી. પછી તમતમારે…” “પણ બા, તે કહ્યું હતું ને?' 'કહ્યું હશે. પણ હવે પાછા અહીં આવ્યા પછી. ના તમે ના કાઢશો.' એનું રડવાનું અટકતું નહોતું. બાને રડતી જોઈ મને દુઃખ તો થયું પણ વિશેષ આનંદ થયો. થયું કે એનું હૃદય હજી જીવતુંજાગતું છે. એને હજી જગતમાં જીવનમાં રસ છે. અમે તો માનતા હતા કે બા માત્ર દહાડા કાઢે છે. પણ ઘર માટેનો આ રાગ... મારા મનમાં પણ ઊંડે ઊંડે અપરાધભાવ તો હતો ઘર કાઢવાની વાતથી. પણ હવે તો રીતસરનો સણકો ઊપડ્યો. ઘર સૌની સંમતિથી વેચવાનું વિચારેલું. બાનાખત પણ થઈ ગયું હતું. જો કે તે દિવસથી દરેક જણ ઘરની વાત આવતાં મૂગું બની જતું. એટલામાં નાનો ભાઈ મકાન ખરીદનારની સાથે આવ્યો. ઘરનાં બીજાં સૌ પણ ભેગાં થઈ બાની આસપાસ બેસી ગયાં હતાં. બાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં – 'આપણે નવું સગવડોવાળું મકાન આ ગામમાં જ બંધાવીશું. આ જ ઘરના પૈસામાંથી, તમે કહેશો તેવું...” બા કહે, “આ ઘરને મોભે મેં ઇંટો ચઢાવી છે. તમારા બાપે કેટલી હોંશથી બાંધ્યું છે, એટલે તમતમારે મારા ગયા પછી ભગવાન કરેને મહેલ ચણાવજો... પણ આ ઘર તો..' નાનો ભાઈ સ્થિતિ પામી ગયો. એણે મકાન ખરીદનારને કહ્યું, ‘ભાઈ, હમણાં ખમી જાઓ. આ ઘર આપીશું ત્યારે તમને જ આપીશું.’ મેં જોયું કે અમારા સૌની છાતી પરથી પથ્થર ઊતરી ગયો હતો. વરસાદ પછી ખુલેલા આકાશ જેવું બાનું મોઢું જોઈને જાણે જીરણ ઘર હસી રહ્યું હતું. અદૃષ્ટ ગૃહદેવતાની પ્રસન્નતાનો સૌને સ્પર્શ થયો હતો.
શિક્ષક દ્વારા સમજૂતી: ઓરડામાં વલોણાની ગોળી અને રવૈયો હજી લટકતો હતો. વચલા ખંડમાં આવતા લેખકે જોયું કે બા એકલી બેઠી બેઠી રડી રહી છે. પિતાના મૃત્યુ વખતે પણ નહોતી રડી એટલી બા રડતી હતી અને કહ્યું કે "હું જીવું ત્યાં સુધી આ ઘર ના કાઢશો". બાનો આ પ્રેમ જોઈ લેખકને આનંદ થયો કે બાને હજુ જીવનમાં રસ છે. પરિવારના સભ્યોએ નવું સગવડવાળું ઘર બનાવવાની લાલચ આપી, પણ બાએ કહ્યું કે આ ઘર તમારા પિતાએ હોંશથી બાંધ્યું છે. નાનો ભાઈ પરિસ્થિતિ સમજી ગયો અને ખરીદનારને ના પાડી દીધી. ઘર ન વેચવાનો નિર્ણય થતા જ સૌને ખૂબ રાહત થઈ અને જાણે ગૃહદેવતા પણ પ્રસન્ન થઈ ગયા.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. ઓરડાના ખૂણામાં અને ખીંટીએ શું લટકતું હતું?
    ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકતો હતો.
  • ૨. રડતા રડતા બાએ લેખકને શું વિનંતી કરી?
    બાએ વિનંતી કરી કે, "હું જીવું છું ત્યાં સુધી આ ઘર ના કાઢશો".
  • ૩. બાને રડતી જોઈને લેખકને દુઃખ સાથે આનંદ કેમ થયો?
    કારણ કે લેખકને સમજાયું કે બાનું હૃદય હજી જીવંત છે અને તેમને જીવનમાં હજી રસ છે.
  • ૪. નાના ભાઈએ મકાન ખરીદનારને શું કહ્યું?
    નાના ભાઈએ કહ્યું કે, "ભાઈ, હમણાં ખમી જાઓ (રોકાઈ જાવ). આ ઘર આપીશું ત્યારે તમને જ આપીશું.".
  • ૫. 'છાતી પરથી પથ્થર ઊતરી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
    મોટી ચિંતા કે બોજો દૂર થવો અને મનમાં શાંતિ (રાહત) અનુભવવી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru