ધોરણ 8 ગુજરાતી પાઠ 6 'બકોર પટેલનો કારેલાંપ્રયોગ' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન

પાઠ આયોજન: બકોર પટેલનો કારેલાંપ્રયોગ

ધોરણ ૮ : ગુજરાતી

પાઠ ૬: બકોર પટેલનો કારેલાંપ્રયોગ (હાસ્યકથા)

પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru

🎯 પાઠ આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (LOs)
G8-2.1.1 ગદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે. G8-1.5.6 ગદ્યખંડ અને સંવાદોનું સ્પષ્ટ વાચિકમ્ કરે છે. G8-2.2.6 સાહિત્યિક પ્રયુક્તિઓથી નીપજતા સૌંદર્યનો પ્રતિભાવ આપે છે (હાસ્યરસ). G8-3.1.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે. G8-2.1.5 સાહિત્યસ્વરૂપો વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
✍️ લેખક પરિચય અને સાહિત્ય સ્વરૂપ

લેખકનું નામ: હરિપ્રસાદ વ્યાસ
જન્મસ્થળ: બોડકા (જિ. વડોદરા)
સાહિત્ય સ્વરૂપ: હાસ્યકથા
જાણીતાં પાત્રો અને પુસ્તકો: બકોર પટેલ, શકરી પટલાણી, “લંબોદર શર્મા”, “શ્રીમાન ભોટવાશંકર”, “પરદુઃખભંજન પશાકાકા”
કેન્દ્રીય વિચાર: આ એક સરસ હાસ્યકથા છે, જેમાં બકોર પટેલને અચાનક કારેલાં ખાવાનો શોખ જાગે છે (કારેલાંપ્રયોગ). તેમના ઘરે રહેવા આવેલા મહેમાન ગોપાળદાસ (જેમને માત્ર ગળ્યું જ ભાવતું હોય છે) આ કારેલાંપ્રયોગથી ત્રાસીને કેવી રીતે ખોટું બહાનું કાઢીને વહેલા ભાગી જાય છે, તેનું રમૂજી વર્ણન કરવામાં આવ્યું છે.

📖 પાઠ પઠન, સમજૂતી અને માઇક્રો-ટીચિંગ

(દરેક ફકરો સ્માર્ટ બોર્ડ પર ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો)

વિભાગ ૧: ચોપાનિયામાં કારેલાંના વખાણ અને પટેલનો પ્રયોગ
એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાંનાં ખૂબ વખાણ વાંચ્યાં. એવું લખેલું કે : ‘કારેલાં વારંવાર ખાવાં. તેનાથી બહુ ફાયદો થાય છે. બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે. ભૂખ લાગે છે, તાવ-તરિયો આવતો નથી. કારેલાં ખૂબ ખાઓ. અઠવાડિયામાં બે-ત્રણ વાર તો ખાવાં જ ખાવાં. કારેલાંના જેવું ઓસડ બીજું એકે નહિ ! શરીરમાં કોઈ ને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ.’ બકોર પટેલને જરા નવાઈ લાગી. કારેલાંમાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહિ. લાગે કડવાં, એટલે પોતે કદી ખાતા જ નહોતા ! ખુશાલ ડોશીને એવો હુકમ કે, બીજાં શાક વારાફરતી લાવવાં, પણ કારેલાં કદી લાવવાં નહિ. બકોર પટેલ બજાર જાય, તો દુકાનમાં કારેલાંનો ઢગ જોઈ નવાઈ પામે. આટલાં બધાં કારેલાં તે કોણ ખાતું હશે ? – એમ વિચાર કરે. ખાતા હશે કોઈ મૂરખાઓ, એવું ધારે. અગર મૂરખા શાકવાળા, નહિ વેચાય તો ફેંકી દેતા હશે, એવું માને. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહિ ! ચાલો, ત્યારે હવે આપણે પણ કારેલાં ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલાં જ મંગાવ્યાં, ખાધાં. કોણ જાણે કેમ, આજે એમને બહુ ભાવ્યાં! બીજે દહાડેય મંગાવ્યાં. ખૂબ ખાધાં. એમ ને એમ પટેલનો કારેલાં ખાવાનો શોખ વધતો ગયો, ને તેઓ જાણે કારેલાંલટ્ટુ બની ગયા! મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા!
શિક્ષક દ્વારા સમજૂતી: બકોર પટેલે એકવાર કોઈ ચોપાનિયા (નાના પુસ્તક) માં કારેલાં ખાવાના ફાયદા વાંચ્યા. તેમાં લખ્યું હતું કે કારેલાં ખાવાથી બીમારી આવતી નથી, ખોરાક પચી જાય છે (હજમ થાય છે) અને તાવ આવતો નથી. પહેલા બકોર પટેલ કારેલાં ખૂબ કડવા લાગતા હોવાથી ખાતા નહોતા અને જે કારેલાં ખાય તેને મૂરખ માનતા. તેમણે ખુશાલ ડોશીને પણ કારેલાં લાવવાની ના પાડી હતી. પરંતુ આ ફાયદા વાંચ્યા પછી તેમણે કારેલાં ખાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમને એવો શોખ લાગ્યો કે તેઓ 'કારેલાંલટ્ટુ' (કારેલાંના ખૂબ શોખીન) બની ગયા અને મેથી જેવી બીજી કડવી ચીજો પણ ખાવા લાગ્યા.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. બકોર પટેલે કારેલાંનાં વખાણ ક્યાં વાંચ્યા હતા?
    બકોર પટેલે કોઈ ચોપાનિયામાં કારેલાંનાં વખાણ વાંચ્યા હતા.
  • ૨. ચોપાનિયા મુજબ કારેલાં ખાવાથી કયા કયા ફાયદા થાય છે?
    બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે અને તાવ-તરિયો આવતો નથી.
  • ૩. શરૂઆતમાં બકોર પટેલ કારેલાં ખાનારને શું માનતા હતા?
    શરૂઆતમાં બકોર પટેલ કારેલાં ખાનાર લોકોને મૂરખાઓ માનતા હતા.
  • ૪. 'કારેલાંલટ્ટુ' એટલે શું?
    'કારેલાંલટ્ટુ' એટલે કારેલાં ખાવાનો ખૂબ શોખીન માણસ.
  • ૫. કારેલાં સિવાય બકોર પટેલ બીજી કઈ કડવી ચીજ ખાવા લાગ્યા?
    કારેલાં સિવાય બકોર પટેલ મેથી જેવી બીજી કડવી ચીજો ખાવા લાગ્યા.
વિભાગ ૨: મહેમાન ગોપાળદાસનું આગમન અને પટલાણીની ચિંતા
એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા. તે વખતે ટપાલીએ ટપાલ નાખી: 'ટપાલ સાહેબ !” પટેલે પરબીડિયું ઉપાડી લીધું અને ફોડ્યું. ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યાં. 'કોનો કાગળ છે?’ “પુનાથી ગોપાળદાસનો !” “ખુશીઆનંદનો ?–કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી?” ‘અઠવાડિયું આવવાના છે.” “ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે ! આજે શિખંડ, તો કાલે બાસુંદી. ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધપાક ! ગોપાળદાસને તો રોજ કંઈ મિષ્ટાન્ન જોઈએ છે જ ને !’ શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન. રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ. કંઈ ના હોય, તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે ! તેઓ બકોર પટેલને ત્યાં આવે, ત્યારે પટેલ સમજી જ જાય. શકરી પટલાણીને કહી જ રાખ્યું હોય. રોજ ઘેર મિષ્ટાન્ન બનાવે, અગર બજારમાંથી તૈયાર આણે.
શિક્ષક દ્વારા સમજૂતી: એક દિવસ ટપાલી પત્ર આપી ગયો. પત્ર પુનાથી ગોપાળદાસનો હતો, જેમાં તેમણે એક અઠવાડિયું મહેમાન તરીકે રહેવા આવવાની જાણ કરી હતી. આ સાંભળીને શકરી પટલાણી ચિંતામાં પડી ગયા, કારણ કે ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા. પટલાણીએ વિચાર્યું કે હવે રોજ શિખંડ, બાસુંદી, બરફી કે દૂધપાક જેવી ગળી વસ્તુઓ (મિષ્ટાન્ન) બનાવવી કે બજારમાંથી લાવવી પડશે. જો કંઈ ન મળે તો ગોપાળદાસ બજારમાંથી જલેબી મંગાવીને પણ ખાતા.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. બકોર પટેલને કોનો પત્ર આવ્યો હતો?
    બકોર પટેલને પુનાથી ગોપાળદાસનો પત્ર આવ્યો હતો.
  • ૨. ગોપાળદાસ કેટલા દિવસ રહેવા આવવાના હતા?
    ગોપાળદાસ એક અઠવાડિયું (સાત દિવસ) રહેવા આવવાના હતા.
  • ૩. શકરી પટલાણીએ ગોપાળદાસ માટે કઈ કઈ મીઠાઈ લાવવાનું વિચાર્યું?
    પટલાણીએ શિખંડ, બાસુંદી, બરફી અને દૂધપાક જેવી મીઠાઈ લાવવાનું વિચાર્યું.
  • ૪. ગોપાળદાસને જમવામાં રોજ શું જોઈતું હતું?
    ગોપાળદાસને જમવામાં રોજ કંઈક ગળ્યું (મિષ્ટાન્ન) જોઈતું હતું.
  • ૫. ઘરમાં કોઈ મીઠાઈ ન હોય તો ગોપાળદાસ છેવટે શું મંગાવતા?
    ઘરમાં મીઠાઈ ન હોય તો ગોપાળદાસ છેવટે બજારમાંથી જલેબી મંગાવતા.
વિભાગ ૩: બકોર પટેલની જિદ અને કડવાટનો પ્રયોગ
શકરી પટલાણીએ પૂછ્યુંઃ ‘ગોપાળદાસ ક્યારે આવવાના છે?” “કાલે.” ‘વાંધો નહિ. કાલે શિખંડ મંગાવીશું. પરમ દિવસે ગૂડી પડવો છે. તે દિવસે કંસાર ને ઘી જમાડીશું.' પટેલ ચમકી ગયા. “નહિ ! નહિ ! નહિ ! નહિ !” તેઓ બોલ્યા: 'ગળપણ-ફળપણ તો ઘરમાં જ ના જોઈ એ ! ગળપણથી જ તબિયતને નુકસાન થાય છે ને!” “તો શું, મહેમાનને તમારા કારેલાં-કડવાટના પ્રયોગનો સવાદ ચખાડવો છે?” પટેલ તો સવાર-સાંજ બન્ને વાર કારેલાંનું શાક ભરપટ્ટે ખાય ! કારેલાં મીઠું દઈને નિચોવવા પણ દે નહિ ! નિચોવ્યા વગરનાં કારેલાનું શાક એટલે નરી કડવાટ ! કોઈ વાર કારેલાંનાં રવૈયાં ! દાળમાંય સમારેલાં કારેલાં, અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથીનો વઘારેય! કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક ! અથાણાંની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું. ભોજન સાથે તે પણ ઉડાવે ! શકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યાઃ “ના ! ના ! ના! ના ! ના ! આ વખતે શિખંડ-બિખંડ નહિ ! ગળ્યું કશું જ નહિ! એમનેય કારેલાં જ ખવડાવીશું!” શકરી પટલાણી જરા મૂંઝાયાં. નરમાશથી બોલ્યાંઃ ‘આપણે પોતે ભલે કારેલાં-કડવાટના પ્રયોગ કરીએ; પણ મહેમાનનું શું? મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને!” “પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહિ ! ઘરના માણસ ગણાય! તું ફિકર ના કરીશ. બહાર આપણું ખોટું નહિ દેખાય. દાસભાઈને કારેલાંપ્રયોગના ફાયદા હું સમજાવીશ. જોજે તો ખરી! એ પણ મારી પેઠે કારેલાંપ્રયોગ શરૂ ના કરી દે, તો મને કહેજે!” બકોર પટેલ જિદી ભારે. તેથી મહેમાનને કારેલાં ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો.
શિક્ષક દ્વારા સમજૂતી: પટલાણીએ મહેમાન માટે શિખંડ અને ગૂડી પડવા પર કંસાર જમાડવાની વાત કરી, ત્યારે બકોર પટેલ ગુસ્સે થઈ ગયા અને ગળપણ લાવવાની સાફ ના પાડી દીધી. બકોર પટેલ પોતે તો નિચોવ્યા વગરનાં કારેલાં, દાળમાં કારેલાં, મેથીનો વઘાર અને મેથીનું અથાણું જ ભરપેટ ખાતા હતા. તેમણે જિદ કરી કે ગોપાળદાસ ઘરના જ માણસ છે, તેથી તેમને પણ કોઈ મીઠાઈ નહીં પણ માત્ર કારેલાં અને કડવાટ જ ખવડાવીશું! તેઓ માનતા હતા કે ગોપાળદાસ પણ કારેલાંના ફાયદા સમજીને તે ખાવાનું શરૂ કરી દેશે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. પરમ દિવસે કયો તહેવાર હતો અને પટલાણીએ શું જમાડવાનું વિચાર્યું?
    પરમ દિવસે 'ગૂડી પડવો' હતો અને પટલાણીએ કંસાર ને ઘી જમાડવાનું વિચાર્યું.
  • ૨. બકોર પટેલ કઈ રીતે કારેલાંનું શાક ખાતા હતા?
    તેઓ કારેલાં મીઠું દઈને નિચોવ્યા વગરનું (નરી કડવાટવાળું) શાક ભરપેટ ખાતા હતા.
  • ૩. પટેલ દાળમાં શું નાખીને ખાતા હતા?
    પટેલ દાળમાં સમારેલાં કારેલાં અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથીનો વઘાર નાખીને ખાતા હતા.
  • ૪. મહેમાન માટે મીઠાઈ લાવવાની ના પાડવા પાછળ પટેલે શું કારણ આપ્યું?
    પટેલે કારણ આપ્યું કે ગળપણથી તબિયતને નુકસાન થાય છે અને ગોપાળદાસ હવે ઘરના જ માણસ ગણાય.
  • ૫. બકોર પટેલનો સ્વભાવ કેવો હતો?
    બકોર પટેલનો સ્વભાવ ભારે જિદ્દી હતો.
વિભાગ ૪: મહેમાન સાથે જમવા બેસવું અને કડવાટનો અનુભવ
નક્કી દિવસે ગોપાળદાસની સવારી આવી પણ પહોંચી. ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા. ખબરઅંતર પૂછી પછી પટેલે વાત ઉપાડીઃ “દાસભાઈ! હમણાંનું તમે વજન કરાવેલું?’ “ના ભાઈ! કેમ?” “બહુ વધી ગયું લાગે છે! બહુ વજન સારું નહિ; છાતીને નુકસાન કરે.” “હા! હા! તમારે બહુ સાવધ રહેવા જેવું છે. ગળપણ ખાવાનું બંધ કરો.” ‘ગળપણ બંધ કરું?’ “હા, અને ગળપણનું મારણ શરૂ કરી દો.” ગોપાળદાસ ગૂંચવાયા. તેમણે પૂછ્યું: 'એ વળી શું?’ 'કડવો રસ ! ગળપણનું મારણ કડવાશ ! મેં તો થોડા વખતથી કારેલાંપ્રયોગ શરૂ કર્યો છે. હવે મને નખમાંય રોગ રહ્યો નથી.' “કારેલાંપ્રયોગ?” “હા! કારેલાં ઉપર મારો રાખવો ! તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને ! સમજ પડી જશે.” ગોપાળદાસને થયું કે આ પણ કંઈ બકોર પટેલની નવી ધૂન હશે ! હશે, બધું વાજતે-ગાજતે માંડવે આવશે, ત્યારે સમજાશે. આમ વાતોમાં વખત વહી ગયો. જમવાનો વખત થયો. શકરી પટલાણીએ ભાણાં પીરસ્યાં. પછી બન્ને જણને રસોડામાં બોલાવ્યા. રસોડામાં જઈને બંન્ને જણ પાટલે ગોઠવાયા. સામે જ પીરસેલાં ભાણાં હતાં. અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ! તેમણે થાળી સામે ટીકી-ટીકીને જોયા કર્યું ! પટેલે સમજ પાડવા માંડીઃ 'દાસભાઈ ! આ છે કારેલાંનું શાક ! દાળમાં જે તરે છે તે કારેલાં અને મેથી છે. મેથીની કડવાશ પણ બહુ ગુણકારી. તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે. આ પીરસ્યું છે તે મેથીનું અથાણું. ચાખજો તો ખરા. બહુ કડવું નહિ લાગે.” “આ શું છે?” “એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે !’ ગોપાળદાસે રસોડામાં આમતેમ જોયું. વધારામાં રોટલી અને ભાત જ હતાં ! શિખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગજ, મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે. જ્યારે-જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય. આજે તેવી એક પણ નહિ! આજે કારેલાં જ કારેલાં ! ને વધારામાં કારેલાંનાં રવૈયાં! ગોપાળદાસને કમકમાં આવી ગયાં ! આવું ભોજન કદી ખાધેલું નહિ ! રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો. દાળનો સબડકો માર્યો, પણ દાળ કડવી-કડવી ! વળી, મેથીના ચાર પાંચ દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગાડ્યો ! ગળ્યું-ગળ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી ? જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધાં. દેખાવ ખાતર થોડું શાક ખાધું. પછી હાથ ધોઈને ઊઠી ગયા. તેમના મનમાં એમ કે હશે, સાંજે તો કંઈ ગળ્યું ખાવાનું મળશે. પણ સાંજેય પૂરી અને કારેલાનું શાક ! જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી, પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહિ.
શિક્ષક દ્વારા સમજૂતી: ગોપાળદાસ આવ્યા ત્યારે બકોર પટેલે તેમનું વજન વધી ગયું હોવાનું કહીને તેમને ગળપણ બંધ કરી કડવો રસ પીવાની સલાહ આપી. જમતી વખતે થાળીમાં કારેલાંનું શાક, કારેલાં-મેથી વાળી દાળ, મેથીની ભાજી અને મેથીનું અથાણું જોઈને ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ (આશ્ચર્ય થયું). એકપણ મીઠાઈ થાળીમાં નહોતી! ગળ્યાના શોખીન ગોપાળદાસે જ્યારે કડવી દાળનો કોળિયો ખાધો ત્યારે તેમને કમકમાં (ધ્રુજારી) આવી ગયા. માંડ માંડ થોડું ખાઈને તેઓ ઊભા થઈ ગયા. સાંજે મીઠાઈ મળશે એવી આશા હતી, પણ સાંજે પણ કારેલાંનું શાક જ મળ્યું, જેનાથી તેઓ ખૂબ ત્રાસી ગયા.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. પટેલે ગોપાળદાસને ગળપણ બંધ કરવાનું કયું કારણ આપ્યું?
    પટેલે કહ્યું કે તમારું વજન વધી ગયું છે, જે છાતીને નુકસાન કરે છે, માટે ગળપણ બંધ કરી દો.
  • ૨. ગળપણનું મારણ (ઇલાજ) કોને ગણાવ્યું?
    ગળપણનું મારણ કડવાશ (કડવો રસ) ને ગણાવ્યું.
  • ૩. 'નખમાંય રોગ ન રહેવો' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
    એનો અર્થ થાય છે 'તદ્દન નીરોગી રહેવું' અથવા શરીરમાં કોઈ પણ બીમારી ન હોવી.
  • ૪. થાળી જોઈને ગોપાળદાસની આંખો કેમ પહોળી થઈ ગઈ?
    થાળીમાં એકપણ મીઠાઈ નહોતી અને માત્ર કારેલાં અને મેથીની કડવી વાનગીઓ જ હતી, તે જોઈને તેમને આશ્ચર્ય થયું.
  • ૫. ગોપાળદાસને કમકમાં (ધ્રુજારી) કેમ આવી ગયા?
    ગળ્યું ખાનાર ગોપાળદાસે જ્યારે કડવી દાળનો કોળિયો ખાધો અને મેથી મોંમાં આવી, ત્યારે સ્વાદ બગડવાથી તેમને કમકમાં આવી ગયા.
વિભાગ ૫: લીમડાનો રસ, ખોટું બહાનું અને ગોપાળદાસની વિદાય
આશા તો ઊપજી કે બીજે દહાડે કંઈક ગળપણ મળશે. પણ બીજે દહાડેય ખુશાલડોશી કારેલાં ઉપાડી લાવ્યાં ! કારેલાંનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા! વોય મારા બાપ ! આ કારેલાં તો જીવ લેશે ! નાસ મારા બાપ ! હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું ! ઘેર જઈને શિખંડ ઝાપટીશ, ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે ! ગોપાળદાસ આમ વિચાર કરતા હતા. તે વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા. તેમના હાથમાં કાચના બે ગ્લાસ હતા. તેમાં હતો લીલો-લીલો રસ ! લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું! તેમને થયુંઃ “ચાલો, આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો ખરો ! હવે ગળપણથી મોં-સ્વાદ થશે.’ પટેલે તેમના હાથમાં એક ગ્લાસ આપ્યો. ગોપાળદાસે પૂછ્યુંઃ ‘શાનું શરબત છે?” “લીમડાનો રસ છે! આજે ગૂડી પડવો છે ને ! તો લીમડાનો રસ પીઓ અને શુકન કરો !” ગોપાળદાસ મનમાં બબડ્યાઃ “નખ્ખોદ જાય તારું ! આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર !” ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું ! તેમણે બે હાથ આડા કરી જવાબ આપ્યો : “ના ભાઈ સાબ ! એ તો મારાથી નહિ પિવાય!” 'અરે ! આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા ! આજે ગૂડી પડવો ! કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ, તે કંઈ અમસ્તી જ થઈ હશે. વૈદકમાં કડવી ચીજો માટે કેવું-કેવું લખ્યું છે? એનાથી ભૂખ ઊઘડે છે. શરદી મટે, ગૅસ થાય નહિ, પિત્તને કાપે; તાવ-તરિયો દૂર ભાગે. એ અમૃત સમાન છે!” પણ ગોપાળદાસને તો ઊબકો આવી ગયો ! તેમણે રસ ના પીધો. ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઊઠ્યાઃ “પટેલસાહેબ ! મુદાની વાત તો ભૂલી ગયો? “મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે! અરરર, હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો.' ગોપાળદાસે વાત જોડી કાઢી! પટેલે પૂછયું: ‘ક્યારે આવવાના છે?' “કાલે સવારે! હમણાં જ નીકળવું પડશે મારે!” ગોપાળદાસે જવાની તૈયારી કરી. પટેલ કહેઃ “પણ જમીને જજો ને !' 'ના ! ના ! વખત જ ક્યાં છે? ફરી આવીશ ત્યારે જમીશ !” ગોપાળદાસે કપડાં પહેર્યાં; પછી બેગ લઈને તરત વિદાય થયા. ભાગ્યા! શકરી પટલાણી કહેવા લાગ્યાં: 'તમે કંઈ સમજ્યા શેઠિયાજી ? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે ! આ તો તમારાં કારેલાં-પ્રયોગને હાથ જોડ્યા!” “હોય નહિ ! કડવો રસ તો...” શકરી પટલાણી ટપ રસોડે ભાગ્યાં.
શિક્ષક દ્વારા સમજૂતી: બીજા દિવસે સવારે પણ કારેલાં જોઈને ગોપાળદાસ ગભરાઈ ગયા અને પાછા પુના ભાગી જવાનું નક્કી કર્યું. એવામાં બકોર પટેલ લીલા રંગના શરબતના બે ગ્લાસ લઈને આવ્યા. ગોપાળદાસને લાગ્યું કે કોઈ મીઠા ફળનો રસ હશે, પણ તે તો કડવા 'લીમડાનો રસ' હતો, કારણ કે ગૂડી પડવાનો મહિમા હતો! આ સાંભળતાં જ ગોપાળદાસને ઊબકો (ઊલટી થવાનો ઉછાળો) આવી ગયો. આ કડવાટથી બચવા તેમણે કલકત્તાથી પોતાના ઘરે મહેમાન આવવાના છે તેવું ખોટું બહાનું કાઢ્યું અને જમ્યા વગર જ તરત બેગ લઈને ભાગી ગયા. પટલાણી સમજી ગયા કે આ તમારા કારેલાંપ્રયોગનો ત્રાસ છે!

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ૧. બીજે દિવસે ખુશાલ ડોશી શું ઉપાડી લાવ્યા જેને જોઈ ગોપાળદાસ ભડકી ગયા?
    બીજે દિવસે પણ ખુશાલ ડોશી કારેલાંનો ઢગલો ઉપાડી લાવ્યા, જેને જોઈ ગોપાળદાસ ભડકી ગયા.
  • ૨. ગ્લાસમાં લીલો રસ જોઈને ગોપાળદાસને પહેલા શું લાગ્યું?
    ગોપાળદાસને લાગ્યું કે આ કોઈ મીઠા ફળનો રસ (શરબત) હશે અને ગળપણથી મોં-સ્વાદ થશે.
  • ૩. હકીકતમાં ગ્લાસમાં શાનો રસ હતો અને કયા તહેવાર નિમિત્તે?
    ગ્લાસમાં કડવા લીમડાનો રસ હતો અને તે ગૂડી પડવાના તહેવાર નિમિત્તે પીવાનો મહિમા હતો.
  • ૪. કડવાટથી છટકી જવા ગોપાળદાસે કયું ખોટું બહાનું કાઢ્યું?
    ગોપાળદાસે ખોટું બહાનું કાઢ્યું કે તેમના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે, એટલે તેમણે હમણાં જ નીકળવું પડશે.
  • ૫. શકરી પટલાણીએ ગોપાળદાસના ભાગી જવા વિશે બકોર પટેલને શું કહ્યું?
    પટલાણીએ કહ્યું કે ગોપાળદાસે સાવ ખોટું બહાનું કાઢ્યું છે, આ તો તેમણે તમારા કારેલાંપ્રયોગને હાથ જોડ્યા છે (ત્રાસી ગયા છે).

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru