ધોરણ 8 ગુજરાતી પાઠ 5 'ખોટો જવાબ' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન
ધોરણ ૮ : ગુજરાતી
પાઠ ૫: ખોટો જવાબ (પ્રસંગકથા)
પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru
🎯 પાઠ આધારિત અધ્યયન નિષ્પત્તિઓ (LOs)
G8-2.1.1 ગદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે.
G8-1.5.6 ગદ્યખંડ અને સંવાદોનું સ્પષ્ટ વાચિકમ્ કરે છે.
G8-2.1.9 સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરી પોતાનાં તારણો રજૂ કરે છે.
G8-1.3.2 પોતાના કે અન્યના સામાજિક અનુભવ જણાવે છે અને તેના કારણો આપે છે.
G8-2.1.5 સાહિત્યસ્વરૂપો વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
✍️ લેખક પરિચય અને સાહિત્ય સ્વરૂપ
લેખકનું નામ: ફાધર વાલૅસ (કાર્લોસ ગોન્ઝલેઝ વાલૅસ)
જન્મસ્થળ: સ્પેન દેશ
સાહિત્ય સ્વરૂપ: પ્રસંગકથા
વ્યવસાય: તેઓ અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક હતા.
જાણીતાં પુસ્તકો: ‘સદાચાર’, ‘વ્યક્તિમંગલ’, ‘કુટુંબમંગલ’, ‘ગાંધીજી અને નવી પેઢી’ અને ‘શબ્દલોક’.
કેન્દ્રીય વિચાર: ઘણી વાર આપણી પાસે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રસંગકથામાં પરીક્ષાના એક નાના દૃષ્ટાંત દ્વારા આત્મવિશ્વાસના મહત્વનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે.
📖 પાઠ પઠન, સમજૂતી અને માઇક્રો-ટીચિંગ
(દરેક ફકરો સ્માર્ટ બોર્ડ પર ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો)
વિભાગ ૧: પરીક્ષાનો પ્રસંગ અને ખોટો જવાબ
છોકરાં પરીક્ષાનું ઉત્તરપત્ર લખતાં હતાં. ગણિતનો દાખલો હતો. એણે બરાબર ગણી લીધો. જવાબ 20 આવતો હતો. લખ્યો ફરીથી ગણી જોયો. એ જ જવાબ હતો. તોય ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછયું, “શો જવાબ આવે છે?' એણે કહ્યું, “પચીસ !' જરા વિસ્મય થયું. એક મિનિટ આનાકાની કરી. પછી પોતે લખ્યું હતું એ 20 છેકીને 25 લખ્યું. પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું: ‘“પેલા દાખલાનો શો જવાબ હતો ?’' એણે કહ્યું, “વીસ”. અને ખરેખર એ જ સાચો જવાબ હતો. એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો, જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો. એ જવાબ ખોટો હતો. એટલે એ દાખલો ગયો. એના ગુણ ગયા, તે ગુણ કરતાં અને પરીક્ષા કરતાં બીજો એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો એની ચેતવણી મળી. એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ.
શિક્ષક દ્વારા સમજૂતી:
પરીક્ષા ચાલી રહી હતી. એક છોકરાએ ગણિતનો દાખલો ગણ્યો, જવાબ '૨૦' આવ્યો અને તેણે ફરીથી ગણીને ખાતરી પણ કરી લીધી. છતાં, તેને પોતાની જાત પર વિશ્વાસ ન હોવાથી તેણે બાજુમાં બેઠેલા મિત્રને પૂછ્યું. મિત્રએ જવાબ '૨૫' કહ્યો. છોકરાએ પોતાનો સાચો જવાબ '૨૦' છેકી નાખ્યો અને '૨૫' લખી નાખ્યો. પરીક્ષા પૂરી થયા પછી તેને ખબર પડી કે તેનો પોતાનો જવાબ જ સાચો હતો. અહીં દાખલાના ગુણ (માર્ક્સ) તો ગયા જ, પણ તેના દિલમાંથી એક અમૂલ્ય ગુણ જતો રહ્યો અને તે હતો 'આત્મવિશ્વાસ'.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. છોકરાએ કયા વિષયની પરીક્ષાનો દાખલો ગણ્યો હતો?છોકરાએ ગણિત વિષયની પરીક્ષાનો દાખલો ગણ્યો હતો.
-
૨. છોકરાએ ગણેલા દાખલાનો જવાબ કેટલો આવતો હતો?છોકરાએ ગણેલા દાખલાનો જવાબ '૨૦' આવતો હતો.
-
૩. બાજુમાં બેઠેલા છોકરાએ દાખલાનો શો જવાબ કહ્યો?બાજુમાં બેઠેલા છોકરાએ દાખલાનો જવાબ '૨૫' કહ્યો.
-
૪. પરીક્ષા પૂરી થયા પછી હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો સાચો જવાબ શું કહ્યો?હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો સાચો જવાબ 'વીસ (૨૦)' કહ્યો.
-
૫. દાખલો ખોટો પડવાથી છોકરાના દિલમાંથી કયો અગત્યનો ગુણ જતો રહ્યો?દાખલો ખોટો પડવાથી છોકરાના દિલમાંથી 'આત્મવિશ્વાસ' નો અગત્યનો ગુણ જતો રહ્યો.
વિભાગ ૨: પોતાના વ્યક્તિત્વનો દ્રોહ
છોકરો દાખલો ગણે, ફરી વાર ગણે, ખાતરી કરી લે, સાચો જવાબ લખે, પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું બીજું કહે એટલે તરત પોતાનું છે તે ચેકી નાખે અને બીજું લખે, પોતાનો વિશ્વાસ નથી, પોતાનું માન જ નથી. પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી, પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી. એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે, પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે. બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું? એમ તો એ બીજો છોકરો વધારે હોશિયાર નહોતો. એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય. તો કેમ પૂછવું પડ્યું ? ટેકો જોઈતો હતો એટલા માટે. પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે. પોતાની વાત કરતાં બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે. બીજા કહે એ સાચું, ને હું કહું એ ખોટું. બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂંસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં. એટલે કે મારે હાથે થયેલું મારું અવમૂલ્યન છે, મારું અપમાન છે, મારું રાજીનામું છે.
શિક્ષક દ્વારા સમજૂતી:
અહીં લેખક સમજાવે છે કે મહેનત કરીને ગણેલો સાચો જવાબ આપણે કોઈના કહેવાથી માત્ર એટલા માટે ચેકી નાખીએ કારણ કે આપણને આપણી પોતાની બુદ્ધિ પર કે ગણતરી પર વિશ્વાસ નથી! આ બીજું કોઈ નહીં, પણ આપણે જાતે જ આપણા વ્યક્તિત્વ અને બુદ્ધિનું કરેલું અપમાન (અવમૂલ્યન) છે. બાજુવાળો છોકરો હોશિયાર નહોતો, તો પણ તેને પૂછવું પડ્યું, કારણ કે પેલા છોકરાને મનમાં એક ટેકાની જરૂર હતી. પોતાના પર અવિશ્વાસ હોવાને કારણે આપણે "બીજાનું સાચું અને મારું ખોટું" એવું માની લઈએ છીએ, જે આપણા પોતાના વ્યક્તિત્વ સાથેનો દ્રોહ છે.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. લેખકના મતે પોતાની ગણતરી કરતા બીજાની વાતને સાચી માનવી એ શું છે?પોતાની ગણતરી કરતા બીજાની વાતને સાચી માનવી એ પોતાની બુદ્ધિનું અપમાન અને વ્યક્તિત્વનો દ્રોહ છે.
-
૨. છોકરાએ બાજુમાં બેઠેલા મિત્રને શા માટે પૂછવું પડ્યું?છોકરાને પોતાના પર વિશ્વાસ ન હતો અને તેને કોઈના ટેકાની જરૂર હતી, એટલે તેણે બાજુમાં બેઠેલા મિત્રને પૂછવું પડ્યું.
-
૩. શું બાજુમાં બેઠેલો મિત્ર ખરેખર વધુ હોશિયાર હતો?ના, બાજુમાં બેઠેલો મિત્ર વધારે હોશિયાર નહોતો.
-
૪. પોતાની મહેનતથી આવેલો જવાબ ભૂંસી નાખવો એ કોના દ્વારા થયેલું અવમૂલ્યન છે?પોતાની મહેનતથી આવેલો જવાબ ભૂંસી નાખવો એ પોતાના હાથે જ થયેલું પોતાનું અવમૂલ્યન (અપમાન) છે.
-
૫. છોકરાની મનોવૃત્તિ કેવી થઈ ગઈ હતી?છોકરાની મનોવૃત્તિ એવી થઈ ગઈ હતી કે "બીજા કહે એ સાચું, અને હું કહું એ ખોટું."
વિભાગ ૩: જવાબદારી અને આત્મનિર્ભરતા
ખરી વાત તો સાવ ઊલટી છે. બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો. મારું કામ છે, મારી ગણતરી છે, મારો વિશ્વાસ છે. અને જવાબ ખોટો હશે તેાય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ; ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ, પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી. કોઈને પૂછવાની જરૂર નથી, ને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ. સાચો તો સાચો અને ખોટો તો ખોટો, પણ મારો ખરો. મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે ? વિચાર મારો અને પરિણામ બીજાનું. ગણતરી મારી અને રકમ બીજાની. લખાણ મારું અને સહી બીજાની. એ રીતે જીવન ચાલે ? મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. અને મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ, અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ.
શિક્ષક દ્વારા સમજૂતી:
લેખક કહે છે કે ખરેખર તો આપણો આત્મવિશ્વાસ એવો હોવો જોઈએ કે "બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો." જો આપણો જવાબ ખોટો પણ હશે, તો એ આપણો પોતાનો હશે. આપણે આપણી ભૂલમાંથી શીખીશું અને જાતે સુધારીશું. જેમ આપણું લખાણ હોય અને સહી બીજાની હોય તો તે ન ચાલે, તેવી જ રીતે આપણી ગણતરીમાં કોઈનો ઉછીનો જવાબ ન ચડાવી શકાય. આપણા દાખલા માટે ઉછીનો જવાબ ન ચાલે અને આપણા જીવન માટે પણ કોઈ ઉછીની જવાબદારી ન લે. આપણું જીવન આપણે પોતે જ આપણા આત્મવિશ્વાસથી જીવવું જોઈએ.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. ખરી વાત સાવ ઉલટી છે એમ કહીને લેખક આપણો અભિગમ કેવો હોવો જોઈએ તેમ કહે છે?આપણો અભિગમ એવો હોવો જોઈએ કે, "બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો. મારું કામ છે, મારી ગણતરી છે."
-
૨. જો આપણો જવાબ ખોટો હોય તો આપણે શું કરવું જોઈએ?જો આપણો જવાબ ખોટો હોય તો તેને સ્વીકારી, આપણી ભૂલ સુધારી લેવી જોઈએ અને તેમાંથી નવું શીખવું જોઈએ.
-
૩. લેખક કોની સહી બીજાની ન ચાલે એમ કહે છે?લેખક કહે છે કે "લખાણ મારું અને સહી બીજાની" એવું જીવનમાં ક્યારેય ન ચાલે.
-
૪. આપણા દાખલા માટે અને જીવન માટે શું ન જોઈએ?આપણા દાખલા માટે ઉછીનો જવાબ ન જોઈએ અને આપણા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ.
-
૫. લેખક જીવન જીવવા બાબતે અંતે કયો સંકલ્પ દર્શાવે છે?"મારું જીવન હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જાતે જ જીવીશ" એવો સંકલ્પ દર્શાવે છે.
વિભાગ ૪: ચોરીનો નહીં, અવિશ્વાસનો સવાલ
આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી. એ તો ગૌણ વસ્તુ છે. ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે. એ જુદો ગુનો છે. પણ આ ચોરીનો સવાલ નથી. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો. પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. માટે ચોરીનો પ્રશ્ન ન હતો, અવિશ્વાસનો હતો. ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વનો જ હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એનો દોષ હતો. અને તેથી એ સામાન્ય ચોરી કરતાં વધારે ગંભીર હતો. આત્મવિશ્વાસનો અભાવ હતો. પોતાને વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ? પસંદગી કરવાનો શો અર્થ ? દાખલા ગણવાનો શો અર્થ ? છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો; છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કહેવા દો. પિતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય ? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય?
શિક્ષક દ્વારા સમજૂતી:
ફાધર વાલેસ કહે છે કે આ ઘટનાને માત્ર પરીક્ષાની ચોરી સાથે સરખાવવી ન જોઈએ. જેમને કંઈ જ નથી આવડતું તેઓ ઠંડા કલેજે ચોરી કરે છે. પણ અહીં છોકરાને દાખલો તો આવડતો જ હતો! ગણિત પાકું હતું, પણ તેનું 'વ્યક્તિત્વ કાચું' હતું. આ પ્રશ્ન ગણિતનો કે ચોરીનો નહિ, પણ 'અવિશ્વાસ' નો હતો. જો છેવટે આપણે બીજાનો જ નિર્ણય સ્વીકારવાનો હોય, તો પછી પોતાની બુદ્ધિ ચલાવીને મહેનત કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. પોતાની મહેનત પછી છેલ્લે પારકો જવાબ લખવો એ આત્મવિશ્વાસના અભાવની સૌથી ગંભીર બાબત છે.
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. લેખકના મતે આ ઘટનામાં કયો પ્રશ્ન ગૌણ (ઓછો મહત્વનો) છે?લેખકના મતે આ ઘટનામાં પરીક્ષામાં 'ચોરીનો પ્રશ્ન' એ ગૌણ વસ્તુ છે.
-
૨. છોકરાનું ગણિત કેવું હતું અને વ્યક્તિત્વ કેવું હતું?છોકરાનું ગણિત પાકું હતું પરંતુ તેનું વ્યક્તિત્વ કાચું હતું.
-
૩. આ પ્રશ્ન ચોરીનો ન હતો, તો શેનો હતો?આ પ્રશ્ન ચોરીનો નહિ, પરંતુ છોકરાના 'અવિશ્વાસ' અને 'વ્યક્તિત્વ' નો હતો.
-
૪. સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર બાબત કઈ છે?આવડતું હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે બીજાને પૂછી લેવું એ સામાન્ય ચોરી કરતા વધુ ગંભીર બાબત છે.
-
૫. પોતાની બુદ્ધિ ચલાવ્યા પછી છેલ્લે શું ન સ્વીકારવું જોઈએ?પોતાની બુદ્ધિ ચલાવ્યા પછી છેલ્લે ક્યારેય બીજાનો નિર્ણય ન સ્વીકારવો જોઈએ.
વિભાગ ૫: છોકરાનો પસ્તાવો અને અંતિમ બોધ
એ છોકરાને આજે પસ્તાવો છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે, પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ઘેરથી એને કહેશે કે, ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ. પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા નથી, અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી. એ પણ પાકાં કરવા પડશે. કરશે?
શિક્ષક દ્વારા સમજૂતી:
પરીક્ષા પછી પેલો છોકરો ખૂબ પસ્તાવો કરે છે. તેને માર્ક્સ ગયાનો એટલો અફસોસ નથી, જેટલો પોતાની મનની નબળાઈને કારણે સાચો જવાબ છેકીને ખોટો જવાબ લખ્યાનો છે. ઘરે વડીલો કહેશે કે ગણિત કાચું છે એટલે માર્ક ઓછા આવ્યા. પરંતુ છોકરાનું દિલ જાણે છે કે ગણિત નહિ, પણ તેનામાં રહેલી સ્વતંત્રતા, મૌલિકતા અને મક્કમતા પાકી કરવાની જરૂર છે. સૌથી વધુ તેને પોતાનો 'આત્મવિશ્વાસ' પાકો કરવાની જરૂર છે. પાઠના અંતે લેખક પ્રશ્નાર્થ મૂકે છે કે શું એ છોકરો પોતાનો આત્મવિશ્વાસ પાકો કરશે?
પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)
-
૧. છોકરાને વિશેષ (વધુ) પસ્તાવો કઈ બાબતનો છે?પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી મિત્રના કહેવાથી ખોટો લખી નાખ્યો તેનો વિશેષ પસ્તાવો છે.
-
૨. ઘરેથી (પરિવારના સભ્યો) છોકરાને શું કહેશે?ઘરેથી કહેશે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે, તેથી તારે ગણિત પાકું કરવું જોઈએ.
-
૩. છોકરાનું દિલ તેને કયા ગુણોનો અભાવ હોવાનું કહેશે?તેનું દિલ કહેશે કે તેનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા અને વિશેષ તો આત્મવિશ્વાસનો અભાવ છે.
-
૪. આ પ્રસંગકથામાંથી આપણને શો બોધ મળે છે?આપણને બોધ મળે છે કે વ્યક્તિએ પોતાની જાત પર અને પોતાની મહેનત પર પૂરેપૂરો આત્મવિશ્વાસ રાખવો જોઈએ.
-
૫. 'મૌલિકતા' શબ્દનો અર્થ શું થાય છે?'મૌલિકતા' એટલે બીજાની નકલ ન કરતા, પોતાના મનના મૂળ વિચારો કે બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવું તે (Originality).
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો