ધોરણ 8 ગુજરાતી પાઠ 3 'ગઢની રઢ છોડો !' - સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અને એકમ કસોટી

સ્વાધ્યાય અને એકમ કસોટી: ગઢની રઢ છોડો !

ભાગ ૨: સ્વાધ્યાય, ભાષા-સજ્જતા અને એકમ કસોટી

પાઠ ૩: ગઢની રઢ છોડો !

પ્રસ્તુતિ: દિપક ચૌધરી | પ્લેટફોર્મ: Exam Guru

📚 શબ્દાર્થ, ભાષા સજ્જતા અને સ્વાધ્યાય સોલ્યુશન

(સ્માર્ટ બોર્ડ પર વિભાગ ખોલવા માટે તેના પર ક્લિક કરો અને જવાબ જોવા બટન દબાવો)

૧. શબ્દાર્થ અને શબ્દસમૂહ (અર્થ અને વાક્યપ્રયોગ)
  • કાજલ (મેશ): બાળકની આંખમાં કાજલ આંજેલું ખૂબ સુંદર લાગે છે.
  • ઉચાટ (ચિંતા): પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીના મનમાં ઉચાટ હતો.
  • વેરો (કર / ટેક્સ): રાજાએ દુકાળના સમયે ખેડૂતોનો વેરો માફ કરી દીધો.
  • હાવજડી (સાવજડી / સિંહણ): ખેતરમાં કામ કરતી મહિલાઓએ સિપાઈઓ સામે હાચી હાવજડી જેવું કામ કર્યું.
  • ખુમારી (આંખમાં દેખાતો ગર્વ): રાજપૂતોની ખુમારી જોઈને દુશ્મનો ડરી ગયા.
  • ભાયાત (રાજાનો પિતરાઈ): રાણાએ ડાયરામાં પોતાના તમામ ભાયાતોને બોલાવ્યા.
  • અટારી (ઝરૂખો / છજું): રાણી મહેલની અટારીએ ઊભા રહીને નગર નિહાળી રહ્યા હતા.
  • માઠી વાતો (ખરાબ સમાચાર): પાડોશી રાજ્યમાંથી વારંવાર માઠી વાતો આવતી હતી.
  • કાંધ (ખભો / કિનારો): વાવ નગર રણની કાંધે વસેલું સુંદર નગર છે.
  • રંગેચંગે (ધામધૂમથી): દીકરીના લગ્નનો પ્રસંગ રંગેચંગે પૂરો થયો.
શબ્દસમૂહ માટે એક શબ્દ અને તેનો વાક્યપ્રયોગ:
  • બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ - ઝરૂખો
    વાક્ય: રાણી મહેલના ઝરૂખામાં ઊભા રહીને નગર નિહાળી રહ્યા હતા.

  • મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ - દરખાસ્ત
    વાક્ય: રાણાએ ડાયરામાં વાવ નગરને ફરતો ગઢ ચણાવવાની દરખાસ્ત મૂકી.

  • એક કાનથી બીજા કાને એમ ફરવું - કર્ણોપકર્ણ
    વાક્ય: રાજકવિએ ગાયેલા ગીતના શબ્દો આજે પણ કર્ણોપકર્ણ સચવાયા છે.

  • પિયરથી દીકરીને વિધિસર સાસરે વળાવવી તે - આણું
    વાક્ય: પહેલા આણાની પરણેતરના પગમાં ઝાંઝર રમઝમ વાગતા હતા.

  • વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું - બાંધણી
    વાક્ય: તારાઓથી ભરેલું આકાશ જાણે જામનગરી બાંધણી જેવું લાગતું હતું.

  • જોરથી ફૂંકાતા પવનનો અવાજ - સમસમ
    વાક્ય: મધરાતે સમસમ કરતો પવન ફૂંકાઈ રહ્યો હતો.
૨. શબ્દજોડ બનાવો અને વાક્યમાં પ્રયોગ કરો
ઉદાહરણ: આગ-ભડભડ ➜ ભડભડ થતી આગમાં શું બચે?
  1. ઝાંઝર - રમઝમ: નવરાત્રીમાં ગોપીઓના પગમાં રમઝમ વાગતા ઝાંઝર મનને મોહી લે છે.
  2. પગલાં - પટપટ: ઉતાવળમાં પટપટ પગલાં પાડતું બાળક દોડી ગયું.
  3. ઢોલ - ઢમઢમ: લગ્નના માંડવે ઢમઢમ ઢોલ વાગી રહ્યા છે.
  4. દાંત - કડકડ: શિયાળાની કડકડતી ઠંડીમાં મારા દાંત કડકડ થવા લાગ્યા.

અન્ય બે સ્વરચિત શબ્દજોડકાં:
  1. વરસાદ - ઝરમર: ચોમાસામાં ઝરમર વરસતા વરસાદમાં નહાવાની મજા પડે છે.
  2. પવન - સુસવાટા: વાવાઝોડા વખતે પવનના સુસવાટા ભયાનક લાગે છે.
૩. ભાષા સજ્જતા (તળપદી બોલીનું શિષ્ટરૂપ)
સમજૂતી: લોકસાહિત્યમાં જે-તે પ્રદેશની સ્થાનિક લોકબોલી (Dialect) નો ઉપયોગ થાય છે, જે વાર્તાને જીવંત બનાવે છે. જેમ કે 'છે' ના બદલે 'સે', 'શું' ના બદલે 'હું/ચમ', અને 'ક્યાં' ના બદલે 'ચ્યાં' વગેરે. અહી આપણે તેને માન્ય ગુજરાતી ભાષા (Standard Gujarati) માં ફેરવવાના છે.
સ્થાનિક ભાષામાં આપેલાં વાક્યોને માન્ય ગુજરાતીમાં લખો:
  1. રામ રામ...ચ્યાં રેવું? ➜ રામ રામ... ક્યાં રહેવું છે?
  2. હવે કરવું હું? ➜ હવે શું કરવું?
  3. કુણ બા, આ ઘડીએ આંય? ➜ કોણ બા, આ સમયે અહીં?
  4. ગામથી ખેતર સેટું સે. ➜ ગામથી ખેતર છેટું (દૂર) છે.
  5. રોટલો સાબડીમાં મેલો. ➜ રોટલો છાબડીમાં મૂકો.

પાઠમાંથી “સ” અને “હ” વાળા વાક્યો શોધીને માન્ય ભાષામાં:
  • લોકબોલી: "મલક ઊજળો સે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું સે."
    માન્ય ભાષા: મલક ઊજળો છે અને આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે.
  • લોકબોલી: "બાપુ, તમારો ગઢ તૈયાર સે."
    માન્ય ભાષા: બાપુ, તમારો ગઢ તૈયાર છે.
  • લોકબોલી: "તો એ માટીનો ગઢ તમારે ચમ બનાવવો સે?"
    માન્ય ભાષા: તો એ માટીનો ગઢ તમારે કેમ બનાવવો છે?
૪. પાઠ આધારિત વિગતો અને કોષ્ટક (સ્વા. પ્રશ્ન ૪, ૫, ૬)
પ્રશ્ન ૪: રાણાને લાગુ પડતી વિગતો સામે ટીક કરો (અહીં સાચા જવાબો દર્શાવેલ છે):
✔ ઝીણી આંખ
✔ શૌર્યના સ્વામી
✔ પ્રજાની સલામતીની ચિંતા
✔ કારભારી સાથે ખેતર પહોંચ્યા
✔ મહિલાઓનું સન્માન કર્યું
પ્રશ્ન ૫: વિગત સામે રાજા કે પ્રજા (બેમાંથી લાગુ પડતું) લખો:
૧. ગઢ બનવા અંગેની ચિંતા ➜ રાજા
૨. ગઢ બનાવવાનું વચન ➜ પ્રજા
૩. રાજા માટે માન ➜ પ્રજા
૪. દુકાળ વખતે વેરો માફ કરે ➜ રાજા
૫. ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ ➜ પ્રજા
પ્રશ્ન ૬: ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતોનું કોષ્ટક:
ઘટના રાજાનો પ્રતિભાવ/કાર્ય પ્રજાનો પ્રતિભાવ/કાર્ય
(૧) ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન ચિંતાતુર થયા, ખેતરમાં પહોંચી મહિલાઓને સોનાની વીંટી આપી સન્માન કર્યું. ચાર મહિલાઓએ ખેડૂતની વ્હારે ચઢીને દાતરડા ઉગામી સિપાઈઓને ભગાડ્યા.
(૨) ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા પાડોશી રાજ્યોના જોખમથી પ્રજાની સલામતીની ચિંતા વ્યક્ત કરી. અમે બેઠા છીએ, તમારે ચિંતા કરવાની જરૂર નથી એવો હોંકારો આપ્યો.
(૩) વાવના રક્ષણ માટે ઉપાય વાવ નગરને ફરતો મજબૂત ગઢ ચણાવવાની દરખાસ્ત મૂકી. અમે બધા ભેગા મળીને વિચાર કરીશું અને પછી જણાવીશું એમ કહ્યું.
(૪) ગઢની ચિંતા અઠવાડિયા પછી પણ ગઢનું શું થયું તેનો ઉચાટ (ચિંતા) સેવતા હતા. પૂનમના મેળાના દિવસે હથિયારો સાથે ઉભા રહી 'જીવતો ગઢ' બતાવ્યો.
૫. વાક્યોનો ભાવ અને તાર્કિક પ્રશ્નો (સ્વા. પ્રશ્ન ૭, ૮)
પ્રશ્ન ૭: આપેલાં વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો:
  1. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી.
    પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી.
  2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા.
    વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે.
  3. ઊગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે.
    ભગવાન સૂરજ નારાયણનાં કુમળાં કિરણ રાજગઢની અટારિયુંમાં પ્રવેશ કરે છે.
  4. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી.
    આપણી પાડોશમાં આવેલાં રજવાડાં આપણને નિરાંત કરવા દે એમ નથી.
  5. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી.
    અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું - એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે.
પ્રશ્ન ૮: તો શું થાત? (તર્ક અને અનુમાન)
  1. મહિલાઓએ દાતરડાં ન ઉગામ્યાં હોત તો?
    જો મહિલાઓએ હિંમત ન બતાવી હોત, તો પાડોશી રાજ્યના સિપાઈઓ પેલા ખેડૂતને ગેરકાયદેસર રીતે બંદી બનાવીને લઈ ગયા હોત અને પ્રજામાં ભયનો માહોલ ફેલાઈ ગયો હોત.
  2. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો?
    જો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત, તો પ્રજાને પાડોશી રાજ્યોના ખતરાની જાણ ન થાત અને લોકો રાજાની ચિંતા સમજી ન શકત. પરિણામે, 'જીવતો ગઢ' બનાવવાની પ્રેરણા પણ ન મળી હોત.
  3. પ્રજાએ માનવસાંકળ ન બનાવી હોત તો?
    જો પ્રજાએ જીવતા ગઢ રૂપે માનવસાંકળ ન બનાવી હોત, તો રાણાએ સાચે જ ઈંટ-પથ્થરનો નિર્જીવ ગઢ બનાવવો પડત. તેમજ પડોશી રજવાડાઓનો અહંકાર તૂટત નહીં અને તેઓ કાયમ હેરાન કરતા રહેત.
૬. સવિસ્તર પ્રશ્નોના જવાબ (સ્વાધ્યાય પ્રશ્ન ૯)
૧. રાણાની નિદ્રા શાથી ઊડી ગઈ?
વાવના સીમાડે આવેલા ખેતરોમાં પાડોશી રાજ્યના સિપાઈઓ વાવના ખેડૂતો પાસે ગેરકાયદેસર વેરો ઉઘરાવવા અને એક ખેડૂતને બંદી બનાવવા માટે આવી ગયા હતા. જોકે મહિલાઓએ તેમને ભગાડી દીધા હતા, પરંતુ ભવિષ્યમાં પોતાની પ્રજા પર કોઈ મોટું સંકટ ન આવે તેની સલામતીની ચિંતા (ઉચાટ) ને કારણે રાણાની નિદ્રા ઊડી ગઈ હતી.
૨. ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા?
જ્યારે સિપાઈઓ એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે આસપાસના ખેતરોમાં ગાયો-ભેંસો માટે ઘાસ (ચાર-પૂળો) કાપતી ચાર સામાન્ય મહિલાઓએ અદભુત હિંમત દાખવી. તેઓ પોતાના ધારદાર દાતરડાં ઉગામીને ખેડૂતની મદદે દોડી આવી, જેને જોઈને સિપાઈઓ ગભરાઈ ગયા અને ખેડૂતને મૂકીને જીવ બચાવીને ભાગી ગયા.
૩. રાણા શાથી ચિંતામુક્ત થઈ ગયા હશે?
ડાયરામાં રાણાએ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે વાવના રાજપૂતો અને તમામ આગેવાનોએ એકી અવાજે હોંકારો આપ્યો કે, "બાપુ, અમે બેઠા છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી, દુશ્મનોને તો અમે જોઈ લઈશું." પ્રજાનો પોતાની અને રાજ્ય પ્રત્યેનો આવો અપાર પ્રેમ, હિંમત અને વિશ્વાસ જોઈને રાણા ચિંતામુક્ત થઈ ગયા.
૪. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ?
પ્રજાએ પોતાના રાજાનો ઉચાટ (ચિંતા) દૂર કરવાની અને રાજ્યના રક્ષણ માટે 'જીવતો ગઢ' બનાવવાની જવાબદારી ઉપાડી લીધી. કારણ કે, રાણા ખૂબ દયાળુ હતા. તેઓ દુકાળમાં વેરો માફ કરતા, માંદા લોકોની મદદ કરતા અને ગરીબ દીકરીઓના કરિયાવર આપતા હતા. આવા લોકકલ્યાણકારી રાજાની ચિંતા દૂર કરવી એ પ્રજા પોતાની નૈતિક ફરજ સમજતી હતી.
૫. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે?
હા, આખરે ગઢ તૈયાર થયો, પરંતુ તે ઈંટ કે પથ્થરનો નિર્જીવ ગઢ નહોતો! પૂનમની સાંજે સીમાડા પર વાવ-ઢીમા-સુઈગામ પંથકના હજારો લોકો (દરબારો, રાજપૂતો, અઢારે વરણ અને મહિલાઓ) હાથમાં ખુલ્લી તલવારો અને હથિયારો લઈને એકબીજાનો હાથ પકડીને એક મજબૂત માનવ-દિવાલ બનીને ઉભા હતા. આ રીતે પ્રજાની અખંડ એકતામાંથી એક અજેય 'જીવતો ગઢ' તૈયાર થયો હતો.
૭. પ્રવૃત્તિ: જૂથ-ચર્ચા અને લોકકથા લેખન (સ્વા. પ્રશ્ન ૧૦, ૧૧)
પ્રશ્ન ૧૦: બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારાં મંતવ્યો રજૂ કરો:

૧. ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે:
જૂથ ૧ નો મત: અન્યાય સહન કરવો એ પણ પાપ છે. સિપાઈઓ ખોટી રીતે ખેડૂતને હેરાન કરતા હતા, તેથી તેમને રોકવા એ આપણી નૈતિક ફરજ છે.
જૂથ ૨ નો મત: ચાર મહિલાઓએ જે હિંમત બતાવી, તેવી હિંમત આખા ગામે બતાવવી જોઈએ. અન્યાય સામે અવાજ ઉઠાવવા હંમેશા સંગઠિત રહેવું જોઈએ.

૨. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે:
જૂથ ૧ નો મત: નગરની ભૌતિક સુરક્ષા માટે ઈંટ અને પથ્થરનો મજબૂત ગઢ જરૂરી છે, જેથી રાત્રે દુશ્મનો કે લૂંટારાઓ હુમલો ન કરી શકે.
જૂથ ૨ નો મત: પથ્થરના નિર્જીવ ગઢ કરતાં પ્રજાની એકતા અને દેશપ્રેમ રૂપી 'જીવતો ગઢ' વધુ મજબૂત છે. જો પ્રજામાં સંપ હશે, તો કોઈ દુશ્મન આંખ પણ ઊંચી કરી શકશે નહીં.

૩. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે:
જૂથ ૧ નો મત: સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગામને સ્વચ્છ રાખવું એ માત્ર પંચાયતની નહીં, પણ આપણા સૌની ફરજ છે. આપણે ગમે ત્યાં કચરો ફેંકવાનું ટાળવું જોઈએ.
જૂથ ૨ નો મત: આપણે ગામમાં દર રવિવારે 'સ્વચ્છતા અભિયાન' ચલાવવું જોઈએ. શેરીઓમાં કચરાપેટીઓ મૂકવી જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ.

પ્રશ્ન ૧૧: તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે સવિસ્તર લખો:

લોકકથા: જેસલ-તોરલ

સૌરાષ્ટ્ર અને કચ્છની લોકવાર્તાઓમાં સંત સતી તોરલ અને ખૂંખાર બહારવટિયા જેસલ જાડેજાની કથા ખૂબ પ્રચલિત છે. જેસલ જાડેજો કચ્છનો એક ભયાનક લૂંટારો હતો, જેના નામથી લોકો ધ્રૂજતા હતા. તેના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો.

એકવાર જેસલ અંજારમાં રહેતી પૂણ્યશાળી સતી તોરલની પ્રખ્યાત ઘોડી (તોરી) અને તલવાર ચોરવા જાય છે. પણ ત્યાં તોરલનો ભક્તિભાવ અને તેમનો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને જેસલ આશ્ચર્યચકિત થઈ જાય છે. તોરલ જેસલને કહે છે કે, જો તારે ઘોડી જોઈતી હોય તો ખુશીથી લઈ જા, પણ પાપના માર્ગે ચાલીને તારું કલ્યાણ નહીં થાય.

આ ઘટના પછી જેસલ અને તોરલ દરિયાઈ માર્ગે જઈ રહ્યા હોય છે, ત્યારે ભયાનક વાવાઝોડું આવે છે. હોડી ડૂબવા લાગે છે અને મોતને સામે જોઈને જેસલ થરથર કાંપવા લાગે છે. ત્યારે સતી તોરલ તેને કહે છે, "પાપ તારાં પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે..." જેસલ પોતાના તમામ પાપ કબૂલે છે. તોરલના ઉપદેશથી એક ખૂંખાર લૂંટારાનું હૃદય પરિવર્તન થાય છે અને તે મહાન સંત બની જાય છે. આ લોકકથા આપણને શીખવે છે કે સંતોના પવિત્ર સંગથી મોટા પાપી મનુષ્યનું પણ કલ્યાણ થઈ શકે છે.

📝 એકમ કસોટી: ગઢની રઢ છોડો ! (કુલ ગુણ: ૨૫)
ધોરણ: ૮ વિષય: ગુજરાતી સમય: ૧ કલાક

(આ કસોટી નીચે મુજબની ૫ અધ્યયન નિષ્પત્તિઓ પર આધારિત છે)

LO: G8-2.1.1પ્રશ્ન ૧: નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર લખો. (૫ ગુણ)
  1. વાવ નગરના રાણાનું નામ શું હતું?
  2. ખેતરમાં મહિલાઓએ સિપાઈઓને ભગાડવા કયા હથિયારનો ઉપયોગ કર્યો?
  3. રાણાએ ડાયરામાં વાવ નગરની સુરક્ષા માટે કઈ દરખાસ્ત મૂકી?
  4. દરબારીઓએ રાણાને ગઢ જોવા ક્યારે અને ક્યાં આવવાનું કહ્યું?
  5. વાવના રાજકવિ કાનબાપુએ સીમાડે કયું ગીત લલકાર્યું?
LO: G8-3.1.1પ્રશ્ન ૨: માગ્યા મુજબ ઉત્તર આપો. (૫ ગુણ)
  • (અ) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો: (૧) મંજૂરી માટે રજૂ થતી સૂચના (૨) પિયરથી દીકરીને વિધિસર સાસરે વળાવવી તે
  • (બ) નીચેના શબ્દોના અર્થ આપો: (૧) ઉચાટ (૨) અટારી
  • (ક) સાચો અર્થ શોધો: 'કર્ણોપકર્ણ' એટલે શું?
LO: G8-3.1.9પ્રશ્ન ૩: ભાષા સજ્જતા આધારિત પ્રશ્નોના ઉત્તર આપો. (૫ ગુણ)

(અ) નીચે આપેલા તળપદા (સ્થાનિક) શબ્દવાળા વાક્યોને માન્ય ગુજરાતીમાં ફેરવીને લખો: (૩ ગુણ)

  1. ગામથી ખેતર સેટું સે.
  2. હવે કરવું હું?
  3. રોટલો સાબડીમાં મેલો.

(બ) ઉદાહરણ મુજબ શબ્દજોડ બનાવી, વાક્યમાં પ્રયોગ કરો: (૨ ગુણ)

  • ઉદાહરણ: ઝાંઝર ➜ ઝાંઝર-રમઝમ (વાક્ય: ગોપીઓના પગમાં રમઝમ ઝાંઝર વાગે છે.)
  • ૧. ઢોલ ➜ ?
  • ૨. દાંત ➜ ?
LO: G8-2.3.1પ્રશ્ન ૪: આપેલા વાક્યોનો ભાવ/અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. (૫ ગુણ)
  1. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી.
  2. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા.
  3. પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી.
  4. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી.
  5. ઊગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે.
LO: G8-1.3.2પ્રશ્ન ૫: સવિસ્તર ઉત્તર આપો. (કોઈપણ એક - ૫ ગુણ)
  1. વાવની પ્રજાએ પથ્થરનો ગઢ બનાવવાને બદલે શું કર્યું? તેનું પરિણામ શું આવ્યું?
  2. વાવની પ્રજા રાણા વજેસંગજીને શા માટે ખૂબ પ્રેમ કરતી હતી? રાજાના પ્રજાપ્રેમના ઉદાહરણો પાઠના આધારે વર્ણવો.

✅ કસોટી સોલ્યુશન / ઉત્તરવહી

પ્રશ્ન ૧ ના જવાબો:

  1. વાવ નગરના રાણાનું નામ વજેસંગજી હતું.
  2. મહિલાઓએ સિપાઈઓને ભગાડવા પોતાના ધારદાર દાતરડાંનો ઉપયોગ કર્યો.
  3. રાણાએ વાવ નગરને ફરતો એક મજબૂત ગઢ (કિલ્લો) ચણાવવાની દરખાસ્ત મૂકી.
  4. દરબારીઓએ આવતી પૂનમે જ્યારે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય તે દિવસે સાંજે સીમાડે આવવાનું કહ્યું.
  5. રાજકવિ કાનબાપુએ ગાયું: "ગઢમાં માટી ને ગઢમાં કાંકરા રે લોલ, ગઢની રઢ છોડો રૂડા રાજીવી રે લોલ !"

પ્રશ્ન ૨ ના જવાબો:

  • (અ) શબ્દસમૂહ: (૧) દરખાસ્ત (૨) આણું
  • (બ) અર્થ: (૧) ઉચાટ = ચિંતા (૨) અટારી = ઝરૂખો/છજું
  • (ક) કર્ણોપકર્ણ = એક કાનથી બીજા કાને એમ ફરવું.

પ્રશ્ન ૩ ના જવાબો (ભાષા સજ્જતા):

(અ) માન્ય ભાષા:
૧. ગામથી ખેતર છેટું (દૂર) છે.
૨. હવે શું કરવું?
૩. રોટલો છાબડીમાં મૂકો.

(બ) શબ્દજોડ અને વાક્ય:
૧. ઢોલ-ઢમઢમ ➜ લગ્નના માંડવે ઢમઢમ ઢોલ વાગી રહ્યા છે.
૨. દાંત-કડકડ ➜ ઠંડીમાં મારા દાંત કડકડ થવા લાગ્યા.

પ્રશ્ન ૪ ના જવાબો:

  1. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી.
  2. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે.
  3. આપણી પાડોશમાં આવેલાં રજવાડાં આપણને નિરાંત કરવા દે એમ નથી.
  4. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું - એક ચકલુંય વાવમાં પગ નહીં મૂકી શકે.
  5. ભગવાન સૂરજ નારાયણનાં કુમળાં કિરણ રાજગઢની અટારિયુંમાં પ્રવેશ કરે છે.

પ્રશ્ન ૫ નો જવાબ (મુદ્દાસર):

૧. જીવતો ગઢ: પ્રજાએ પથ્થર કે માટીનો નિર્જીવ ગઢ બનાવવાને બદલે પૂનમના દિવસે સીમાડા પર હજારોની સંખ્યામાં એકબીજાના હાથ પકડીને તલવાર-હથિયારો સાથે ઉભા રહીને એક 'જીવતો ગઢ' (માનવસાંકળ) બનાવ્યો. તેનું પરિણામ એ આવ્યું કે પડોશી રજવાડાઓ આ પ્રજાની અખંડ એકતા અને ખુમારી જોઈને ડરી ગયા. તેમનો અહંકાર ઓગળી ગયો અને તેમણે વાવ નગરને હેરાન કરવાનું બંધ કરી દીધું.

અથવા

૨. રાજાનો પ્રજાપ્રેમ: વાવની પ્રજા રાણા વજેસંગજીને ખૂબ પ્રેમ કરતી હતી કારણ કે રાણા માત્ર રાજા જ નહીં પણ પિતા સમાન હતા. દુકાળના સમયે રાણા ખેડૂતોને કહ્યા વિના જ વેરો માફ કરી દેતા હતા. કોઈ બીમાર પડે તો રાણા જાતે ખબર-અંતર પૂછતા. સૌથી મોટી વાત એ હતી કે કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય તો રાણા ગુપ્ત રીતે તેનો કરિયાવર પૂરો કરતા જેથી પ્રસંગ રંગેચંગે સચવાઈ જાય. આવા નિઃસ્વાર્થ અને લોકકલ્યાણકારી રાજાની રક્ષા કરવી એ પ્રજા પોતાની ફરજ સમજતી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru