ધોરણ ૭ ગુજરાતી પાઠ ૮: સાહેબ, બધાં જોડાઈ ગયાં છે - સ્માર્ટ ક્લાસ આયોજન

સ્માર્ટ ક્લાસ આયોજન: સાહેબ, બધાં જોડાઈ ગયાં છે (પાઠ ૮)

પાઠ ૮: સાહેબ, બધાં જોડાઈ ગયાં છે

ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | સાહિત્ય પ્રકાર: સંવાદ લેખન

🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: સંવાદ અને ભૂમિકા ભજવણી (Roleplay), વર્ગ-ચર્ચા પદ્ધતિ, દૃષ્ટાંત પ્રયુક્તિ અને માઇક્રો-ટીચિંગ દ્વારા મૂલ્યાંકન.
આ એકમમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન શિક્ષણ શરૂ કરતાં પહેલાં થયેલો સંવાદ છે, જેમાં સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે. અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવાય એ જરૂરી છે. અહીં સુટેવોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. આહાર-વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે સૂચન કરવામાં આવ્યું છે. વર્તમાન યુગમાં સાઇબર ક્રાઈમથી બચવા શી શી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે.

વર્ચ્યુઅલ (ઓનલાઇન) મિટિંગમાં વર્ગ શિક્ષકશ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે. એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે.
શિક્ષક : ચાલો, ભાઈ ફટાફટ જોડાઈ જાવ. મનન, બેટા મજામાં?
મનન : હા સર, હું મજામાં છું. તમે કેમ છો? અને સર, વિવાન કદાચ આજે નહીં જોડાય.
શિક્ષક : કેમ?
મનન : એ કહેતો હતો કે દવાખાને જવાનું છે.
શિક્ષક : ઓહ! બીમાર પડ્યો છે?
(એટલામાં શિક્ષક વિવાનને ઑનલાઇન જુએ છે.)
અરે વિવાન, તું તો દવાખાને જવાનો હતો ને!
સમજૂતી: આ પાઠમાં સાચી કેળવણી વિશે વાત કરવામાં આવી છે, જે માત્ર ચોપડીના જ્ઞાન પૂરતી મર્યાદિત નથી, પણ સારા સંસ્કારો, યોગ્ય આહાર અને સાયબર જાગૃતિ વિશેની છે. શિક્ષક ઓનલાઈન ક્લાસ (વર્ચ્યુઅલ મિટિંગ) શરૂ કરે છે. તેઓ મનનને પૂછે છે, ત્યારે મનન જણાવે છે કે વિવાન બીમાર હોવાથી દવાખાને જવાનો છે. પરંતુ અચાનક વિવાન ઓનલાઈન જોડાયેલો દેખાય છે. [cite: 2883, 2884, 2885, 2886, 2887, 2888, 2889, 2890, 2891, 2892, 2893, 2894]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • આ પાઠમાં શેના વિશે વાત કરવામાં આવી છે? જવાબ: સાચી કેળવણી, સુટેવો, સાયબર ક્રાઈમ અને આહાર-વિહાર વિશે.
  • વર્ગ કયા માધ્યમથી ચાલી રહ્યો છે? જવાબ: ઓનલાઇન (વર્ચ્યુઅલ) માધ્યમથી.
  • શિક્ષક પહેલા કોની સાથે વાત કરે છે? જવાબ: મનન સાથે.
  • મનનના કહેવા મુજબ વિવાન કેમ નહોતો જોડાવાનો? જવાબ: કારણ કે તેને દવાખાને જવાનું હતું.
  • શિક્ષક કોને ઓનલાઈન જુએ છે? જવાબ: વિવાનને.
LO 4.2 સંવાદ સ્વરૂપે રજૂઆત કરે છે.
વિવાન : હા સર ! મને તાવ આવે છે અને પેટમાં દુ:ખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવ્યો.
શિક્ષક : બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું?
ચકુ : સર! વડાપાઉં અને પિત્ઝા એ બહુ ખાય છે હો! (ચકુ હસે છે.)
વિવાન : જાને… રહેવા દે... (વિવાન ધીમેથી બોલ્યો.)
ચકુ : સાચું કહું છું સર ! એની મમ્મી, મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે.
શિક્ષક : વિવાન, આ વાત બરાબર નથી! નિયમિત દવા લે અને જલદી સાજો થઈ જા. અને તમે બધાં સાંભળો. ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે. એનાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે. વળી તે શરીર માટે પોષક ખોરાક નથી.
સમજૂતી: વિવાન જણાવે છે કે તેને તાવ છે અને પેટમાં દુખે છે. ચકુ શિક્ષકને જણાવે છે કે વિવાન વડાપાઉં અને પિત્ઝા જેવું 'ફાસ્ટ ફૂડ' ખૂબ ખાય છે. શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવે છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરનું વજન વધે છે (ઓવરવેઇટ) અને બીજા ઘણા રોગો થાય છે, કારણ કે તેમાં પૂરતું પોષણ હોતું નથી. [cite: 2895, 2896, 2897, 2898, 2899, 2900, 2901, 2902, 2905, 2906, 2907]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • વિવાનને શું થયું હતું? જવાબ: તાવ આવ્યો હતો અને પેટમાં દુખતું હતું.
  • ચકુએ વિવાનની કઈ બાબતની પોલ ખોલી? જવાબ: કે તે વડાપાઉં અને પિત્ઝા બહુ ખાય છે.
  • વિવાનની મમ્મીએ ચકુની મમ્મીને શું કહ્યું હતું? જવાબ: કે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે.
  • ફાસ્ટ ફૂડ ખાવાથી શું નુકસાન થાય છે? જવાબ: ઓવરવેઇટ થાય છે અને બીજા અનેક રોગો થાય છે.
  • ફાસ્ટ ફૂડ કેવો ખોરાક નથી? જવાબ: તે શરીર માટે પોષક ખોરાક નથી.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
વિવાન : પણ સર! બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે. તો બીજું શું ખાવું જોઈએ?
શિક્ષક : આપણે લીલાં શાકભાજી અને ફણગાવેલાં કઠોળ ખાવાં જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને?
વિવાન : સર ! આ ચકુ પણ તૈયાર પડીકાં રોજ નાસ્તામાં લાવે છે.
શિક્ષક : ચકુ ! આ બરાબર નથી. આપણી શાળાનો નિયમ તો ખબર છે ને? નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાનાં ! આપણે મિલેટ્સ ખાવું જોઈએ.
મનન : મિલેટ્સ એ વળી શું?
શિક્ષક : મિલેટ્સ ધાન એટલે કે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવાં જાડાં ધાન્ય.
વિદ્યાર્થી: સર, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે?
શિક્ષક : હા, ચોક્કસ આવે ને! એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે, આ બધાં જાડાં ધાન્ય કહેવાય.
મનન : સર! આ મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા?
શિક્ષક : અરે, લાભનું તો પૂછો જ મા. આપણા શરીરને અનેક લાભ થાય છે. ડાયાબિટીસ મટે છે, ઓવેરવેટ હોય કે ઓબેસિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળી રહે છે. ફાઈબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલેટ્સ ન્યુટ્રીશનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે.
રાજેશ : સર ! ચમત્કારિક અનાજ એટલે ?
શિક્ષક : જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય! સાંભળો કિડની, લીવર જેવાં મહત્ત્વનાં અંગોનું રક્ષણ થાય છે તેમ જ ઇમ્યૂન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને દૂર રાખે છે.
અંગદ : ઓહોહોહોહો આટલા બધા ફાયદા થાય છે! ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હોં!
સમજૂતી: શિક્ષક ફાસ્ટ ફૂડને બદલે લીલાં શાકભાજી, ફણગાવેલા કઠોળ અને 'મિલેટ્સ' ખાવાની સલાહ આપે છે. મિલેટ્સ એટલે બાજરી, જુવાર, રાગી, સામો વગેરે જેવા જાડાં ધાન્ય. મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ, જાડાપણું (ઓબેસિટી), અને હૃદયના રોગો મટે છે. તેમાં ફાઈબર હોય છે જે પાચન માટે સારું છે. તેથી જ મિલેટ્સને 'ચમત્કારિક અનાજ' કહેવાય છે. [cite: 2908, 2909, 2910, 2911, 2912, 2913, 2914, 2915, 2916, 2917, 2918, 2919, 2920, 2921, 2922, 2923, 2924, 2925, 2926, 2927, 2928]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • ફાસ્ટ ફૂડની જગ્યાએ આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? જવાબ: લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ અને મિલેટ્સ.
  • શાળાના નાસ્તાનો શું નિયમ હતો? જવાબ: નાસ્તામાં ઘરના બનાવેલા શાક અને રોટલી જ લાવવાનાં.
  • મિલેટ્સ એટલે શું? તેમાં કયા અનાજનો સમાવેશ થાય છે? જવાબ: મિલેટ્સ એટલે જાડા ધાન્ય - બાજરી, જુવાર, રાગી, સામો વગેરે.
  • મિલેટ્સમાં કયું તત્ત્વ પૂરતા પ્રમાણમાં હોય છે જે પાચન માટે ઉપયોગી છે? જવાબ: ફાઈબર.
  • મિલેટ્સને કેવું અનાજ કહેવામાં આવે છે? જવાબ: ચમત્કારિક અનાજ.
LO 6.1 અપરિચિત શબ્દોના (જેમ કે મિલેટ્સ, ફાઈબર) અર્થની ધારણા કરે છે.
શિક્ષક : હા ચોક્કસ. ચાલો સાલેહા પણ જોડાઈ ગઈ.
સાલેહા : સર! કોઈકના મોબાઈલની રિંગ વાગી!
શિક્ષક : હા સારું યાદ આવ્યું. ભાઈ રાજેશ ! તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઇલમાં બહુ ગેમ રમે છે .અને મોબાઇલમાં સમય વેડફાતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે.
બ્રિજેશ : હાંસર! એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઇલ રમતો હોય છે. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે.
(બધાં હસે છે. રાજેશ શરમાઈ જાય છે)
શિક્ષક : બસ બસ હવે.હસવાનું બંધ કરો. માત્ર રાજેશ નહીં, તમે બધાં જ મોબાઇલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. તમે જાણો છો ? ઘણી વાર કેટલાક સાઇબર અપરાધીઓ અવનવી યુક્તિ-પ્રયુક્તિ કરીને અભદ્ર વિડિયો બનાવીને વાઈરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં 1930 નંબર પર ફોન કરી સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જોઇએ.
રાજેશ : સર, આ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ એટલે શું?
શિક્ષક : તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાઇબર ક્રાઇમ વિભાગ કામ કરે છે.
સમજૂતી: શિક્ષક રાજેશને મોબાઈલમાં ગેમ રમીને સમય ન બગાડવાની અને હોમવર્ક કરવાની સલાહ આપે છે. તેઓ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ (ઓનલાઈન છેતરપિંડી) વિશે પણ જાગૃત કરે છે. ઓનલાઈન અપરાધીઓ લોકોને ધમકાવે છે. આવા સમયે ૧૯૩૦ (1930) નંબર પર ફોન કરીને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. [cite: 2929, 2930, 2931, 2932, 2933, 2934, 2935, 2936, 2937, 2938]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • રાજેશની મમ્મીએ શિક્ષકને શી ફરિયાદ કરી હતી? જવાબ: કે રાજેશ મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને હોમવર્ક બાકી રહી જાય છે.
  • બ્રિજેશ રાજેશ વિશે શું કહે છે? જવાબ: કે તે મમ્મી અને પપ્પા બંનેનો મોબાઈલ લઈને ગેમ રમે છે.
  • સાઇબર અપરાધીઓ લોકોને કેવી રીતે ડરાવે છે? જવાબ: અભદ્ર વિડિયો બનાવીને વાઈરલ કરી દેવાની ધમકી આપીને.
  • સાઇબર ક્રાઈમની ફરિયાદ માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? જવાબ: ૧૯૩૦ (1930) નંબર પર.
  • સાઇબર ક્રાઇમ બ્રાન્ચ કોનો વિભાગ છે? જવાબ: તે પોલીસ વિભાગની જ એક શાખા છે.
સલીમ : અરે સર! મને યાદ આવ્યું, અમારા પાડોશમાં રહેતાં નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઇલમાં ઓટીપી આવ્યો છે તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) નંબર આપી દીધો. અને ગણતરીની મિનિટોમાં જ તેમના બૅન્ક એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા ઊપડી ગયા, બોલો!
શિક્ષક : હા, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંન્કનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં. આર.બી.આઈ. કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો.
(બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે : 'સતર્ક બનો, જાણકાર બનો.”)
શિક્ષક : બહુ સરસ! હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. 'અતિ સર્વત્ર વર્જ્યયેત્’ એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. આપણી જ શાળામાં પહેલાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઇલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો. જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો, ત્યારે સૌએ કહેલું. ‘અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત!' એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ! મોબાઇલ, ટીવી અને કમ્પ્યૂટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો.
બધાં (એકસાથે) : હા સર, પ્રોમિસ.
મેરી : જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઇએ ને સર!
સમજૂતી: સલીમ પાડોશીની વાત કરે છે જેમણે ફોન પર ઓટીપી (OTP) આપતાં જ ખાતામાંથી ૫૦ હજાર ઉપડી ગયા. શિક્ષક સમજાવે છે કે ક્યારેય કોઈને ઓટીપી કે બેંકની વિગતો ન આપવી. 'સતર્ક બનો, જાણકાર બનો'. અતિરેક નાશનું મૂળ છે. મોબાઈલ, ટીવી કે કમ્પ્યુટરનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ જેથી ભવિષ્ય (કેરિયર) બગડે નહીં. [cite: 2939, 2940, 2941, 2942, 2943, 2944, 2945, 2946, 2947, 2948, 2949, 2950, 2951, 2952, 2953, 2954]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • સલીમના પાડોશમાં રહેતાં નિવૃત્ત બહેન સાથે શું બન્યું હતું? જવાબ: ઓટીપી (OTP) આપવાથી તેમના બેંક ખાતામાંથી ૫૦ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
  • શિક્ષકે ફોન પર કઈ વિગતો ન આપવાની સલાહ આપી? જવાબ: ઓટીપી અને બેંકનો એકાઉન્ટ નંબર.
  • 'અતિ સર્વત્ર વર્જ્યયેત્' એટલે શું? જવાબ: કોઈ પણ વસ્તુનો અતિરેક (વધુ પડતો ઉપયોગ) નાશનું મૂળ છે.
  • મુનાફનું પરિણામ કેમ નબળું આવ્યું હતું? જવાબ: કારણ કે તે મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો હતો.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? જવાબ: ખપ પૂરતો, સમજપૂર્વક અને વિવેકપૂર્વક કરવો જોઈએ.
LO 4.9 વાક્ય કે પંક્તિઓનો (કહેવતોનો) સદષ્ટાંત વિચારવિસ્તાર કરે છે.
શિક્ષક : હા, બરાબર.જુઓ અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયેલા. એમનાં બે બાળકોમાં નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઇલમાં ચેટિંગ કરતો હતો. એટલે પહેલાં તો એણે સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એણે ખિજાઈને મમ્મીને ના પાડી દીધી. જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા તો એ મોબાઇલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. હવે બોલો આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત?
ચકુ : સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત.
શિક્ષક : શાબાશ, બેટા!
શિક્ષક : હંમેશાં મમ્મીપપ્પાની વાત માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતાં નથી. મમ્મી, પપ્પા અને શિક્ષકો હંમેશાં આદરને પાત્ર હોય છે. ઘરનાં તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. ઘરમાં દાદા-દાદી હોય, કાકા-કાકી હોય દરેકનું માન જળવાવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરનાં બાળકો ચરણસ્પર્શ કરતાં હોય છે. વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે.
ભારતી : સર, હું એમ જ કરું છું.
શિક્ષક : સરસ, આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચૅલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો, તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય.
રંજન : હું મોડી પડી છું, સોરી. હું છેલ્લી છું. સાહેબ, બધાં જોડાઈ ગયાં છે.
શિક્ષક : રંજન, તું થોડીક જ મોડી છે. બધાં જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. ચાલો, હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ.
સમજૂતી: શિક્ષક સમજાવે છે કે મોબાઈલના અતિરેકથી બાળકો વડીલોનું માન જાળવતા ભૂલી ગયા છે. મમ્મી-પપ્પા, શિક્ષકો અને વડીલોને હંમેશાં માન આપવું જોઈએ. મહેમાનોની સરભરા કરવી અને વડીલોને ચરણસ્પર્શ કરવા એ સંસ્કારી હોવાની નિશાની છે. સાચું શિક્ષણ એ જ છે જે તમને સંઘર્ષમાં ટકી રહેતા અને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવે. અંતે રંજન જોડાય છે અને શિક્ષક પાઠની શરૂઆત કરે છે. [cite: 2955, 2956, 2957, 2958, 2959, 2960, 2961, 2962, 2963, 2964, 2965, 2966, 2967, 2968, 2969, 2970, 2971, 2972, 2973, 2974, 2975, 2976, 2977]
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
  • મહેમાન આવ્યા ત્યારે શિક્ષકના સંબંધીનો છોકરો શું કરી રહ્યો હતો? જવાબ: મોબાઈલમાં ચેટિંગ કરતો હતો.
  • છોકરાએ મમ્મીની વાત કેમ ન માની? જવાબ: મોબાઈલમાં મશગૂલ હોવાથી અને ખિજાઈ જવાથી.
  • વડીલો અને મહેમાનો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? જવાબ: તેમનો આદર કરવો, માન આપવું અને ચરણસ્પર્શ કરવા.
  • સંસ્કારી હોવાની નિશાની કઈ છે? જવાબ: વડીલોને પગે લાગવું (ચરણસ્પર્શ કરવા).
  • લીધેલું શિક્ષણ લેખે લાગ્યું ક્યારે કહેવાય? જવાબ: જ્યારે આપણે સંઘર્ષ સામે ટકી શકીએ અને મુશ્કેલીઓનો ગભરાયા વગર સામનો કરી શકીએ.
LO 7.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru